ગ્રીનલેન્ડ, જે ડેનમાર્ક હેઠળનું એક સ્વાયત્ત પ્રદેશ છે, હાલ વૈશ્વિક રાજનીતિના કેન્દ્રમાં આવી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડને “અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી” ગણાવી તેને કબજામાં લેવાની વાતો કર્યા બાદ યુરોપિયન દેશોમાં ચિંતા વધી છે. આ સ્થિતિ વચ્ચે ડેનમાર્કની વિનંતી પર છ નાટો દેશોએ ગ્રીનલેન્ડમાં મર્યાદિત લશ્કરી હાજરી શરૂ કરી છે.
સૈનિકો અને લશ્કરી કર્મચારીઓને ગ્રીનલેન્ડ મોકલ્યા
સ્વીડન, નોર્વે, જર્મની, ફ્રાન્સ, નેધરલેન્ડ અને કેનેડાએ પોતાના સૈનિકો અને લશ્કરી કર્મચારીઓને ગ્રીનલેન્ડ મોકલ્યા છે. આ તૈનાતી મોટા પાયે યુદ્ધ માટે નથી, પરંતુ સુરક્ષા કવાયત, દેખરેખ અને સંભવિત ખતરાઓના મૂલ્યાંકન માટે છે. મુખ્ય ઉદ્દેશ રશિયા અને ચીન તરફથી શક્ય પ્રભાવ અથવા પ્રવૃત્તિઓ પર નજર રાખવાનો અને નાટોની એકતા દર્શાવવાનો છે.
સ્વીડન પહેલ કરનાર દેશ બન્યો
સ્વીડન આ પ્રક્રિયામાં પહેલ કરનાર દેશ બન્યો. PM ઉલ્ફ ક્રિસ્ટરસને સ્પષ્ટ કર્યું કે ડેનમાર્કની વિનંતી પર “ઓપરેશન આર્કટિક એન્ડ્યુરન્સ” અંતર્ગત લશ્કરી કર્મચારીઓ મોકલવામાં આવ્યા છે. ત્યારબાદ જર્મનીએ પણ જાહેરાત કરી કે તે થોડા દિવસો માટે 13 સૈનિકોને જાસૂસી અને દરિયાઈ દેખરેખ સંબંધિત મિશન માટે મોકલી રહ્યું છે. ફ્રાન્સ અને કેનેડાએ પણ બહુ-રાષ્ટ્રીય કવાયતમાં ભાગ લેવા માટે પોતાની હાજરી નોંધાવી છે.
સૈનિકો કે ભારે હથિયારો મોકલ્યા નથી
આ તમામ પગલાં પ્રતીકાત્મક છે. કોઈપણ દેશે મોટી સંખ્યામાં સૈનિકો કે ભારે હથિયારો મોકલ્યા નથી. તેનો અર્થ એ છે કે નાટો દેશો ખુલ્લી ટક્કર ટાળીને એક સંયમિત પરંતુ સ્પષ્ટ સંદેશ આપવા માગે છે—ગ્રીનલેન્ડની સુરક્ષા નાટોના માળખામાં રહીને જ સુનિશ્ચિત થશે.
ગ્રીનલેન્ડ અમેરિકાની સુરક્ષા માટે
ટ્રમ્પે વારંવાર કહ્યું છે કે ગ્રીનલેન્ડ અમેરિકાની સુરક્ષા માટે જરૂરી છે અને નાટોએ તેમાં સહયોગ આપવો જોઈએ. પરંતુ ડેનમાર્ક સહિત અન્ય નાટો સભ્ય દેશો આ વિચારને નકારી રહ્યા છે. નાટોના નિયમો મુજબ સભ્ય દેશો એકબીજા પર લશ્કરી કાર્યવાહી કરી શકતા નથી, અને ગ્રીનલેન્ડ ડેનમાર્કનો ભાગ છે.
આ પણ વાંચો : Iranનું હવાઈ ક્ષેત્ર બંધ, એર ઈન્ડિયા અને ઈન્ડિગોની ફ્લાઇટ્સ પર મોટી અસર