ખૈબર પખ્તૂનખાની તિરાહ ઘાટીમાં સ્થિત મત્રે દારા ગામમાં રાત્રીના સમયે હવાઇ હુમલાઓ થયા હતા. પાકિસ્તાની વાયુસેનાએ JF-17 લડાકુ વિમાનથી 8 LS-6 બોમ્બ વિસ્ફોટ કર્યા હતા.
સરકારનું સત્તાવાર નિવેદન હજુ આવ્યુ નથી
પાકિસ્તાનની સેનાએ પોતાના જ દેશમાં ખૈબર પખ્તૂનખાની તિરાહ ઘાટીમાં એક ગામ પર એયરસ્ટ્રાઇક કરી હતી. જેમાં 30 જેટલા લોકોના મોત થયા છે. પાકિસ્તાની સેનાએ કરેલા હુમલામાં મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. આ બોમ્બ બ્લાસ્ટના કારણે ગામનો એક ભાગ સંપૂર્ણ રીતે તબાહ થયો છે. અને ઠેર-ઠેર મૃતદેહો જોવા મળી રહ્યા છે. આ હુમલાઓ મામલે પાકિસ્તાનની સરકારે કોઇ સત્તાવાર નિવેદન આપ્યુ નથી.
બચાવકાર્ય કરવામાં મુશ્કેલીઓ
સ્થાનિકોએ જણાવ્યુ હતુ કે, ગામડાઓમાં રાત્રીના સમયે લોકો સુઇ ગયા હતા. અને તે જ સમયે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના અવાજના કારણે ગામડાનો એક ભાગ તબાહ થયો હતો. ઘરોનો નાશ થયો હતો. અને ચારેય બાજુ માત્ર કાટમાળ જોવા મળે છે. ગામડાઓના રસ્તાઓ તૂટી ગયા છે. જેના કારણે રાહત અને બચાવકાર્ય કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. સોશિયલ મીડિયા પર આ ખબર વાયરલ થઇ રહી છે.
માનવાધિકાર સંગઠનનો રોષ
બોમ્બ બ્લાસ્ટ બાદ કાટમાળમાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે. તેમને બચાવવા માટે તંત્રએ કાર્યવાહી શરુ કરી છે. મોટી માત્રામાં તબાહી થવાના કારણે રાહત અને બચાવ કાર્ય કરવા માટે અધિકારીઓને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ઘાયલોને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાકિસ્તાનની સરકારે આ મામલે હજુ કોઇ નિવેદન, પ્રતિક્રિયા કે સ્પષ્ટતા આપી નથી. માનવાધિકાર સંગઠને આ હુમલાની નિંદા કરી છે. દોષિતો સામે કાર્યવાહી કરવા માટે અપીલ કરવામાં આવી છે.













