સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝે કહ્યું છે કે, જો અમેરિકા ગ્રીનલેન્ડ પર હુમલો કરે તો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સૌથી વધુ ખુશ થશે.

સ્પેનના પીએમનું નિવેદન

સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝે કહ્યું હતું કે, ગ્રીનલેન્ડમાં યુએસ લશ્કરી કાર્યવાહી નાટોને ગંભીર નુકસાન પહોંચાડશે અને યુક્રેન પર રશિયાના આક્રમણને યોગ્ય ઠેરવવા સમાન હશે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, જો અમેરિકા કોઈપણ દેશની ધરતી પર બળનો ઉપયોગ કરે છે. તો તે રશિયાને દાવો કરવાની તક આપશે કે તેણે યુક્રેનમાં તે જ કર્યું છે જે અમેરિકા કરી રહ્યું છે. સ્પેનના વડા પ્રધાને કહ્યું હતું કે, જો અમેરિકા ગ્રીનલેન્ડ પર હુમલો કરે છે, તો તે પુતિન માટે બેવડી ખુશી હશે.

ગ્રીનલેન્ડ પર ફરીથી કડક વલણ

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર ફરીથી કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે યુએસ ગ્રીનલેન્ડ ખરીદવા માંગે છે અને જો આવું નહીં થાય, તો તેઓ ઘણા યુરોપિયન દેશો પર ભારે ટેરિફ લાદશે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે, 1 ફેબ્રુઆરીથી ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ફિનલેન્ડ અને યુકેથી આવતા માલ પર 10% આયાત ડ્યુટી લાદવામાં આવશે.

ટ્રમ્પ સામે વિરોધ પ્રદર્શન

ગ્રીનલેન્ડમાં હજારો લોકોએ ટ્રમ્પ સામે વિરોધ પ્રદર્શન કર્યું. ગ્રીનલેન્ડના જોડાણ અંગે ટ્રમ્પના નિવેદનો પર લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી. ટ્રમ્પે ભૂતકાળમાં ઘણી વખત કહ્યું છે કે તેઓ ગ્રીનલેન્ડની માલિકી ઇચ્છે છે. જોકે, ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી અને યુનાઇટેડ સ્ટેટ્સનો ભાગ બનવા માંગતો નથી.

આ પણ વાંચોઃ Uttar Pradesh News: પ્રયાગરાજ પોલીસે Swami Avimukteshwaranand પર પરંપરાનું ઉલ્લંઘન કરવાનો લગાવ્યો આરોપ, જાણો શું છે મામલો?