ઘરમાં હાજર ત્રણ બાળકોએ કપાટમાં છુપાવીને પોતાના જીવ બચાવ્યા હતા. અને 911 પર કોલ કર્યો હતો.
કૌટુંબિક વિવાદમાં હત્યા
અમેરિકાના જોર્જિયા રાજ્યમાં ભારતીય પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. કૌટુંબિક વિવાદમાં ભારતીય મૂળના વિજય કુમારે તેની પત્ની અને ત્રણ સંબંધીઓની ગોળી મારીને હત્યા કરી હતી. એટલાન્ટા નજીક લોરેન્સવિલેમાં આ ઘટના બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 51 વર્ષીય વિજય કુમાર તેની પત્ની મીમુ ડોગરા સાથે કોઈ વાતને લઈને દલીલ કરી રહ્યા હતા. દલીલ એટલી વધી ગઈ કે, વિજય તેની પત્ની અને 12 વર્ષના પુત્ર સાથે બ્રુક આઇવી કોર્ટ વિસ્તારમાં આવેલા તેમના સંબંધીઓના ઘરે ગયો, જ્યાં તેના ત્રણ સંબંધીઓ રહેતા હતા.
જંગલ વિસ્તારમાંથી કરાઇ ધરપકડ
ચાર લોકોના મૃતદેહ ઘરની અંદરથી મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે બધાની મોત ગોળી વાગવાથી થઇ હતી. આરોપી વિજય કુમારની K-9 યુનિટની મદદથી નજીકના જંગલવાળા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે વિજય પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. જેમાં હત્યાના ચાર ગુના, ગંભીર હત્યાના ચાર ગુના, બાળ ક્રૂરતા અને ગંભીર હુમલાનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું છે કે આ કેસમાં અન્ય કોઈ શંકાસ્પદ નથી અને તે સંપૂર્ણપણે ઘરેલું વિવાદ છે.
ભારતીય સમુદાયમાં શોકનો માહોલ
પીડિતોની ઓળખ મીમુ ડોગરા, 43, ગૌરવ કુમાર, 33, નિધિ ચંદેર, 37 અને હરીશ ચંદેર, 38 તરીકે કરવામાં આવી છે. બધા લોરેન્સવિલે વિસ્તારમાં રહેતા હતા એટલાન્ટામાં ભારતીય કોન્સ્યુલેટે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. દૂતાવાસે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે આ એક ખૂબ જ દુ:ખદ ઘટના છે અને શોકગ્રસ્ત પરિવારોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. પોલીસે કહ્યું કે તપાસ ચાલુ છે અને વિજય કુમારની પૂછપરછ કરવામાં આવી રહી છે. બાળકોને સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે અને સ્થાનિક એજન્સીઓ તેમના ભવિષ્ય પર કામ કરી રહી છે.
આ પણ વાંચોઃ પુત્ર મસૂદને જવાબદારી સોંપીને ઇરાનના સુપ્રીમ લીડર Ali Khamenei કેમ થયા સત્તા દૂર?, જાણો
