ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આશરે સાત વર્ષના લાંબા ગાળા બાદ ઉત્તર કોરિયાની ધરતી પર કદમ મૂકવા જઈ રહ્યા છે. આ માત્ર એક ઔપચારિક મુલાકાત નથી, પરંતુ એશિયાની બદલાતી જીઓપોલિટિક્સ (ભૂ-રાજનીતિ), રશિયા-ચીન-ઉત્તર કોરિયાની નવી ધરી અને અમેરિકા સામે બની રહેલા વ્યૂહાત્મક સમીકરણોનો મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે. મહામારી બાદ વિદેશ પ્રવાસો અંગે ખૂબ જ સતર્ક રહેતા શી જિનપિંગની વર્ષ 2026ની આ પ્રથમ વિદેશ યાત્રા હશે.
રશિયા -ચીન વચ્ચે સંતુલન રાખવાનો કિમનો પ્રયાસ
તાજેતરના વર્ષોમાં કિમ જોંગ ઉને રશિયા સાથે પોતાના સંબંધોને ખૂબ મજબૂત કર્યા છે. યુક્રેન યુદ્ધ દરમિયાન મોસ્કોને હથિયારો અને સૈનિકો મોકલવાના આરોપો વચ્ચે રશિયા-ઉત્તર કોરિયાની નિકટતા વધી છે. પરંતુ ઉત્તર કોરિયા સારી રીતે જાણે છે કે માત્ર સૈન્ય સહયોગથી દેશની આર્થિક કટોકટી હલ થઈ શકે નહીં. આ જ કારણે કિમ જોંગ ફરી એકવાર ચીન તરફ જોઈ રહ્યા છે, જે લાંબા સમયથી ઉત્તર કોરિયાની સૌથી મોટી આર્થિક લાઈફલાઈન રહ્યું છે. નિષ્ણાતોના મતે, કિમ આ બેઠક દ્વારા દુનિયાને બતાવવા માંગે છે કે તેમનો દેશ માત્ર રશિયા પર નિર્ભર નથી. તેમને રશિયા પાસેથી સૈન્ય ટેકનોલોજી અને ચીન પાસેથી આર્થિક મદદ મળી શકે છે.













