ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એક દાયકાથી વધુ સમયના લાંબા અંતરાલ બાદ બુધવારે વોશિંગ્ટન પહોંચી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર તેઓ ૨૩ થી ૨૫ સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાની સત્તાવાર મુલાકાતે છે. વિશ્વની આ બે મહાસત્તાઓ વચ્ચેની આ મુલાકાત દરમિયાન વેપાર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને તાઈવાન જેવા ગંભીર તથા વ્યૂહાત્મક મુદ્દાઓ પર મહત્વની ચર્ચાઓ થવાની અપેક્ષા છે.
ભવ્ય લશ્કરી સ્વાગત અને કાર્યક્રમની રૂપરેખા
ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પની ઓફિસ દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ મુજબ, ગુરુવારે સવારે વ્હાઇટ હાઉસના 'સાઉથ લોન' અને 'રોઝ ગાર્ડન' ખાતે રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેમના પત્ની પેંગ લિયુઆનનું ભવ્ય સત્તાવાર સ્વાગત કરવામાં આવશે. આ સ્વાગત સમારોહમાં અમેરિકી સશસ્ત્ર દળોના ૪૭૯ જવાનો દ્વારા વિશાળ લશ્કરી પ્રદર્શન યોજાશે. આ ઉપરાંત, B-2 સ્પિરિટ સ્ટેલ્થ બોમ્બર અને ચાર F-22 રેપ્ટર્સ દ્વારા આકાશમાં અદભુત 'ફ્લાયઓવર' આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ રહેશે.
બંને દેશના પીએમ સંબોધન આપશે
સ્વાગત બાદ બંને દેશોના રાષ્ટ્રગીત વાગશે અને નેતાઓ પોતાના સંબોધન આપશે. આ કાર્યક્રમની પૂર્ણાહુતિ લશ્કરી ફ્લાયઓવર સાથે થશે, ત્યારબાદ ફર્સ્ટ લેડી અને મેડમ પેંગ લિયુઆન 'સ્મિથસોનિયન નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટ'ની મુલાકાત લેશે. ગુરુવારે સાંજે 'ઇસ્ટ રૂમ'માં રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ખાસ 'સ્ટેટ ડિનર' (સત્તાવાર ભોજન સમારંભ)નું આયોજન કરવામાં આવ્યું છે.
ઐતિહાસિક દસ્તાવેજો અને વ્યાપારી પરામર્શ
મુલાકાતના અંતિમ દિવસે એટલે કે શુક્રવારે, બંને નેતાઓ અને તેમના પત્નીઓ વોશિંગ્ટન ડીસી સ્થિત 'નેશનલ આર્કાઇવ્સ'ની મુલાકાત લેશે. અહીં તેઓ અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોને ઉજાગર કરતા ઐતિહાસિક રેકોર્ડ્સ અને દસ્તાવેજો નિહાળશે, ત્યારબાદ રાષ્ટ્રપતિ દંપતી તેમને ઔપચારિક વિદાય આપશે.
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મોટા ફેરફારો થવાની સંભાવના
આ રાજદ્વારી બેઠકો પહેલાં, ચીનના વાઇસ પ્રીમિયર હે લિફેંગ 19 થી 23 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકા સાથે દ્વિપક્ષીય આર્થિક અને વ્યાપારી પરામર્શ માટે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. આ મુલાકાતથી વૈશ્વિક અર્થવ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મોટા ફેરફારો થવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ US Tariff: ભારતને નુકસાન....રશિયન તેલ પર 100% ટેરિફ પહેલા વિચારજો!જેમી ડિમોને ટ્રમ્પને આપી ચેતવણી