ઇઝરાયલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા લાંબા સમયના યુદ્ધ અને રાજદ્વારી ઘટનાક્રમ વચ્ચે ઇઝરાયલી સેના (IDF) દ્વારા એક નવો અહેવાલ સામે લાવવામાં આવ્યો છે. સેનાએ હમાસના પૂર્વ વડા યાહ્યા સિનવારના 10 વર્ષના પુત્ર ઇબ્રાહિમ દ્વારા લખાયેલો એક પત્ર અને તેના દ્વારા દોરવામાં આવેલા કેટલાક ચિત્રો સત્તાવાર રીતે જાહેર કર્યા છે. ઇઝરાયલી સેનાના જણાવ્યા મુજબ, આ દસ્તાવેજો 2024 માં ગાઝા પટ્ટીમાં સૈન્ય ઓપરેશન દરમિયાન મળી આવ્યા હતા.
રમકડાના શસ્ત્રો બનાવવાનો ઉલ્લેખ
જાહેર કરવામાં આવેલા પત્રના વિગતો અનુસાર, આ પત્ર યુદ્ધના પ્રારંભિક તબક્કામાં લખવામાં આવ્યો હતો. તેમાં બાળક પોતાના પિતાને યાદ કરે છે અને પોતાની ભાવનાઓ વ્યક્ત કરે છે. પત્રમાં પિતા પ્રત્યેનો પ્રેમ, તેમને પાછા મળવાની ઝંખના અને યુદ્ધમાં પોતાના પક્ષના વિજયની આશાઓ વ્યક્ત કરવામાં આવી છે. તે સાથે જ, પત્રમાં બાળકે કાગળ અને કાર્ડબોર્ડથી રમકડાના શસ્ત્રો જેવા કે પિસ્તોલ, ટેન્ક અને રાઇફલ બનાવવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
https://x.com/IDF/status/2110763083912110088?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2110763083912110088%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
બાળકે પિતાને પાછા આવવા વિશે પૂછ્યો પ્રશ્ન
આ પત્રમાં બાળકે પોતાના પિતાને પ્રશ્ન પૂછ્યો છે કે તેઓ ક્યારે ઘરે પાછા આવશે. પત્રના અંતે તે પોતાના પિતાની સલામતી માટે પ્રાર્થના કરે છે અને યુદ્ધ ઝડપથી સમાપ્ત થાય તેવી ઈચ્છા વ્યક્ત કરે છે. આ પત્ર સાથે ઇઝરાયલી સેનાએ કેટલાક ચિત્રો પણ શેર કર્યા છે, જે ઇબ્રાહિમ દ્વારા દોરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ ચિત્રોમાં ગાઝા અને ઇઝરાયલની સરહદી વાડ પાસે સૈન્ય વાહનો, શસ્ત્રો અને મિસાઇલ જેવી આકૃતિઓ દર્શાવવામાં આવી છે.
યુદ્ધની બાળકો પર થતી અસર
ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે આ પ્રકારના દસ્તાવેજો અને સામગ્રી બાળકો પર યુદ્ધ અને સંગઠનની વિચારધારાના પ્રભાવને દર્શાવે છે. બીજી તરફ, ગાઝામાં ચાલી રહેલો આ સંઘર્ષ લાંબા સમયથી હિંસા, વ્યાપક વિસ્થાપન અને અનેક પરિવારો વચ્ચેના વિખૂટાપણાનું મુખ્ય કારણ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે યાહ્યા સિનવાર ગાઝામાં હમાસના મુખ્ય નેતા હતા અને 2024 માં સંગઠનના ટોચના પદ પર આવ્યા હતા. ઓક્ટોબર 2024 માં ઇઝરાયલી સેનાની કાર્યવાહીમાં તેમનું મૃત્યુ થયું હતું. ઇઝરાયલ તેમને 7 ઓક્ટોબર 2023ના રોજ થયેલા હુમલાના મુખ્ય સૂત્રધાર માનતું હતું. આ પત્ર અને ચિત્રો જાહેર થતાં જ પ્રદેશમાં હમાસની વિચારધારા અને સંઘર્ષની બાળકો પર પડતી અસરો અંગે નવી ચર્ચાઓ શરૂ થઈ છે.
આ પણ વાંચોઃ Houthis Attack: હુતીઓનો યમન પર સૌથી મોટો મિસાઇલ હુમલો, 2 સુરક્ષાકર્મીઓના મોત