યમનમાં હુતી લડવૈયાઓ અને સાઉદી સમર્થિત દળો વચ્ચે ચાલી રહેલા તીવ્ર સંઘર્ષે સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. આ યુદ્ધની વચ્ચે હુતી જૂથના સર્વોચ્ચ અને સૌથી શક્તિશાળી નેતા અબ્દુલ મલિક અલ-હૌથી વૈશ્વિક રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

જાહેર સ્થળ પોસ્ટર જોવા મળ્યા

યમનના મોટાભાગના વિસ્તારો પહેલાથી જ હુતીઓના નિયંત્રણ હેઠળ છે, અને તાજેતરના સંઘર્ષમાં તેમણે બાબ અલ-મંડેબ તરફ જતા મહત્વપૂર્ણ દરિયાકાંઠાના વિસ્તારો પર પણ કબજો મેળવી લીધો છે. રસપ્રદ વાત એ છે કે યમનની રાજધાની સના કે અન્ય કોઈ જાહેર સ્થળો પર અબ્દુલ મલિક ક્યારેય રૂબરૂ જોવા મળતા નથી, તેમ છતાં તેમની તસવીરો અને પોસ્ટરો દરેક જગ્યાએ મોટા પાયે જોવા મળે છે.

કોઇને પણ તેના ઠેકાણાનો ખ્યાલ જ નથી

રાજધાની સનાની મોટી સ્ક્રીનો પર તેમના ભાષણો પ્રસારિત કરવામાં આવે છે અને તેમના સમર્થકો બેનરો લઈને ફરે છે, પરંતુ સામાન્ય લોકો કે તેમના સમર્થકો પણ પોતાના નેતાને પ્રત્યક્ષ જોઈ શકતા નથી. અબ્દુલ મલિક પોતાના અજ્ઞાત ઠેકાણા પરથી જ વીડિયો સંદેશાઓ દ્વારા સંગઠનનું સંચાલન કરે છે. તેઓ મોટે ભાગે કોઈ સુરક્ષિત ગુફા કે ગુપ્ત આશ્રયસ્થાનમાંથી વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા બેઠકો યોજે છે અને આદેશો આપે છે.

અબ્દુલ મલિક પયગંબર સાહેબના વંશજ હોવાનો કરે છે દાવો

પોતાની ઓળખ અને ઠેકાણાને ગુપ્ત રાખવા પાછળ તેમની પાસે એક મોટું કારણ છે. અબ્દુલ મલિક અલ-હૌતી પોતાને પયગંબર સાહેબના વંશજ હોવાનો દાવો કરે છે અને તેઓ ઝૈદી શિયા પરંપરા સાથે જોડાયેલા છે. છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી તેઓ ઉત્તરપશ્ચિમ યમનને નિયંત્રિત કરતા આ શક્તિશાળી જૂથનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. હુથીઓ મધ્ય પૂર્વમાં ઈરાનના સૌથી મજબૂત અને સક્રિય સહયોગીઓમાં ગણાય છે. તાજેતરના સમયમાં ઈઝરાયલે હમાસ અને હિઝબુલ્લાહ જેવા ઈરાન સમર્થિત સંગઠનોના અનેક શીર્ષ નેતાઓને ટાર્ગેટ કરીને મોતને ઘાટ ઉતાર્યા છે. આ પ્રકારની ઇઝરાયલી અને પશ્ચિમી ધમકીઓ વચ્ચે પણ અબ્દુલ મલિક એટલા માટે સુરક્ષિત છે કારણ કે બહુ ઓછા લોકો જાણે છે કે તેઓ વાસ્તવિકટીમાં કયા સ્થળે છુપાયેલા છે.

આ અજ્ઞાત વાતાવરણ અને ગુફાઓમાંથી ચાલતી તેમની આ સરકાર વૈશ્વિક ગુપ્તચર સંસ્થાઓ માટે પણ એક મોટો કોયડો બની ગઈ છે. તેમનો આ પ્રભાવ અને કટ્ટર રણનીતિ સાઉદી અરેબિયા અને તેના સહયોગીઓ માટે સતત ચિંતાનો વિષય રહી છે.

આ પણ વાંચોઃ Japan: રીંછ મંત્રીજી પધારી રહ્યા છે! રીંછના ત્રાસથી સરકારે બનાવવું પડ્યુ અલગ bear મંત્રાલય