રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે વધુ ચિંતાજનક વળાંક લઈ રહ્યો છે, ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ સમગ્ર વિશ્વને એક ગંભીર ચેતવણી આપી છે. આ ચેતવણીની યાદીમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ઝેલેન્સકીએ ભારત સહિત ૪૭ દેશોના નેતાઓને અપીલ કરી છે કે તેઓ પોતાના નાગરિકોને રશિયાથી બચાવે અને તેમને આ ભીષણ યુદ્ધમાં સીધા કે પરોક્ષ રીતે ફસાવા ન દે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અન્ય દેશોના નાગરિકોને પોતાના પ્યાદા બનાવીને યુદ્ધના મેદાનમાં ધકેલી રહ્યા છે.

47 દેશોના નાગરિકોને યુદ્ધમાં વાપરી રહ્યુ હોવાનો દાવો

આ યાદીમાં ભારત ઉપરાંત ઘાના, નેપાળ, તાજિકિસ્તાન, કેન્યા, ઝિમ્બાબ્વે, ક્યુબા, બેલારુસ, સુદાન અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો સામેલ છે. ઝેલેન્સકીએ ભારતીયો પર થયેલા અત્યાચારો અને મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે દુનિયા જાણે છે કે રશિયા વિદેશી નાગરિકો સાથે કેવું વર્તન કરી રહ્યું છે. જો આ દેશો સમયસર પગલાં નહીં ભરે, તો તેમના નિર્દોષ નાગરિકો અન્ય દેશના યુદ્ધમાં પોતાનો જીવ ગુમાવી બેસશે. રશિયા પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને યુદ્ધ લંબાવવા માટે વિદેશી લોકોના જીવન સાથે રમત રમી રહ્યું છે.

વિનાશક જ્વાળાઓ સમગ્ર યુરોપમાં ફેલાઇ

વધુમાં, ઝેલેન્સકીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને "પેશન્ટ ઝીરો" તરીકે સંબોધિત કરતા કહ્યું કે તેમના કારણે જ આ યુદ્ધ શરૂ થયું અને તેની વિનાશક જ્વાળાઓ સમગ્ર યુરોપ તેમજ દુનિયામાં ફેલાઈ છે. તેમણે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા કડક પ્રતિબંધો અને તેલ-ગેસ પરના ટેરિફનો ઉલ્લેખ કરીને ભારત સહિતના તમામ દેશોને અપીલ કરી કે તેઓ રશિયા પાસેથી તેલ અને ગેસની ખરીદી બંધ કરી દે, જેથી પુતિન વાટાઘાટોના ટેબલ પર આવવા મજબૂર બને અને આ યુદ્ધનો અંત આવી શકે.

આ પણ વાંચોઃ Pakistan એ અફઘાનિસ્તાનમાં 10 સ્થળો પર કર્યા ધડાધડ હવાઈ હુમલા, શાંતિ પ્રયાસો પર સંકટ