ન્યૂ યોર્ક શહેરના મેયર ઝોહરાન મમદાનીએ તાજેતરમાં વ્હાઇટ હાઉસની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક માત્ર રાજકીય ચર્ચાઓ પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ મેયરની એક અનોખી 'ગિમિક' અથવા યુક્તિને કારણે તે ચર્ચાનો વિષય બની છે. મામદાનીએ ટ્રમ્પને એક નકલી અખબારનું ફ્રન્ટ પેજ ભેટમાં આપ્યું હતું.

શા માટે નકલી અખબાર?

ટ્રમ્પ મીડિયા કવરેજ અને હેડલાઇન્સ પ્રત્યે ખૂબ જ સભાન રહેતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, મેયરની ટીમે એક નકલી 'ન્યૂ યોર્ક ડેઇલી ન્યૂઝ'નું કવર તૈયાર કર્યું હતું. જેની હેડલાઇન હતી: "ટ્રમ્પ શહેરને કહે છે: ચાલો બનાવીએ"

હેડલાઇન પાછળ એક ઐતિહાસિક સંદર્ભ

આ હેડલાઇન પાછળ એક ઐતિહાસિક સંદર્ભ છે. વર્ષ 1975માં જ્યારે પ્રમુખ ગેરાલ્ડ ફોર્ડે ન્યૂ યોર્કને નાણાકીય મદદ કરવાની ના પાડી હતી, ત્યારે પ્રસિદ્ધ હેડલાઇન હતી "ફોર્ડ ટુ સિટી: ડ્રોપ ડેડ" (Ford to City: Drop Dead). મમદાનીએ આ જૂની નકારાત્મક છબીને બદલીને ટ્રમ્પને શહેરના તારણહાર તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો જેથી તેઓ શહેરમાં રોકાણ કરવા પ્રેરાય.

$21 બિલિયનનો હાઉસિંગ પ્રોજેક્ટ

આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ક્વીન્સમાં સનસાઈડ યાર્ડ્સ ખાતે રેલ યાર્ડ પર ડેક બનાવીને 12,000 નવા સસ્તા આવાસ (Affordable Housing) બનાવવાનો હતો. આ માટે અંદાજે $21 બિલિયનની ફેડરલ ગ્રાન્ટની જરૂર છે. અહેવાલો મુજબ, ટ્રમ્પ આ પ્રસ્તાવ અને જે રીતે તેને રજૂ કરવામાં આવ્યો તે જોઈને ખૂબ જ ઉત્સાહિત જણાતા હતા.

માનવતાવાદી અભિગમ, એલી અઘાયેવાની મુક્તિ

આર્થિક મુદ્દાઓ ઉપરાંત, મેયર મામદાનીએ કોલંબિયા યુનિવર્સિટીની અઝરબૈજાની વિદ્યાર્થીની એલી અઘાયેવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો, જેની ફેડરલ ઇમિગ્રેશન એજન્ટો દ્વારા અટકાયત કરવામાં આવી હતી. મેયરની વિનંતીને ધ્યાનમાં રાખીને, ટ્રમ્પે મુલાકાત બાદ તરત જ ફોન પર જાણ કરી હતી કે અઘાયેવાને મુક્ત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Epstein case: અમેરિકી રાજકારણમાં ભૂકંપ, જાતીય ગુનેગાર સાથેના સંબંધો મુદ્દે હિલેરી ક્લિન્ટનની બંધ બારણે પૂછપરછ!