- અમેરિકામાં પોલીસની કારની ટક્કરથી ભારતીય વિદ્યાર્થીનું મોત
- અમેરિકાના સિએટલ શહેરના મેયર બ્રુસ હેરેલે વિદ્યાર્થીના દુઃખદ મૃત્યુ બદલ માફી માંગી
- જ્હાન્વીને ન્યાય આપો,હત્યારા પોલીસકર્મીને જેલમાં ધકેલી દેવો જોઈએ:લોકોનો વિરોધ
અમેરિકામાં પોલીસની કારની ટક્કરથી ભારતીય વિદ્યાર્થીની જ્હાન્વી કંડુલાના મોતનો મામલો જોર પકડી રહ્યો છે. વધી રહેલા વિવાદને જોઈને અમેરિકાના સિએટલ શહેરના મેયર બ્રુસ હેરેલે વિદ્યાર્થીના દુઃખદ મૃત્યુ બદલ માફી માંગી છે. નોંધનીય છે કે આ ઘટના 23 જાન્યુઆરીએ બની હતી જ્યારે સાઉથ લેક યુનિયનમાં નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીની 23 વર્ષીય વિદ્યાર્થિની જ્હાન્વી કંડુલા ડેક્સટર એવેન્યુ નોર્થ અને થોમસ સ્ટ્રીટ નજીક ચાલી રહી હતી ત્યારે તેને સિએટલ પોલીસના વાહને ટક્કર મારી હતી જેમાં તેનું મોત થયું હતું.
અહેવાલ અનુસાર, મેયર હેરેલે શનિવારે માફી માંગી છે. મેયરની માફી સિએટલ વિસ્તારના સાઉથ એશિયન ઈમિગ્રન્ટ સમુદાયના લોકોના જોરદાર પ્રદર્શન બાદ આવી છે. માફીની સાથે જ મેયરે સંપૂર્ણ જવાબદારી સ્વીકારી અને કહ્યું હતું કે આ બિલકુલ સ્વીકાર્ય નથી. માનવ જીવનનું સન્માન કરવું જોઈએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેયર સાથે વિરોધીઓની બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી જે દરમિયાન મેયરે ખાતરી આપી હતી કે ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. સમુદાયના નેતાઓના જણાવ્યા મુજબ, મેયર હેરેલે ધ્યાનપૂર્વક સાંભળ્યું અને સમગ્ર ચર્ચા દરમિયાન સહાનુભૂતિ દર્શાવી હતી.













