પાકિસ્તાનના કુર્રમમાં આતંકી હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં 42 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ હુમલામાં એક પોલીસ અધિકારી અને 6 મહિલાઓ સહિત 11 લોકો ઘાયલ થયા છે. આતંકીઓએ ઓચિંતો હુમલો કરીને અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળો જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. આ હુમલો પખ્તૂનખ્વાના ડાઉન કુર્રમ વિસ્તારમાં એક પેસેન્જર વાન પર થયો.
42ના મોત
એએફપીના અહેવાલ મુજબ આ હુમલામાં 32 લોકોના મોત થયા છે. પેસેન્જર વાન લોઅર કુર્રમના ઓચુત કાલી અને મંડુરી નજીકથી પસાર થઈ કે તરત જ ત્યાં પહેલેથી જ ઘૂસી આવેલા આતંકવાદીઓએ વાન પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. પેસેન્જર વાન પારાચિનારથી પેશાવર જઈ રહી હતી. પાકિસ્તાનની ન્યૂઝ એજન્સી ડોન અનુસાર, તહસીલ હેડક્વાર્ટર હોસ્પિટલ અલીઝાઈના ઓફિસર ડૉ.ગૈયોર હુસૈને હુમલાની પુષ્ટિ કરી છે.
રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો શોક
ઘટનાને લઇને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ ઘટનાની સખત નિંદા કરી અને મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તો બીજી તરફ PPPએ X પર એક પોસ્ટમાં કહ્યું કે નિર્દોષ મુસાફરો પર હુમલો કરવો એ કાયરતાપૂર્ણ અને અમાનવીય કૃત્ય છે. પાર્ટીએ કહ્યું કે આ ઘટના માટે જવાબદારોને સજા મળવી જોઈએ. આ સાથે ઘાયલોને સમયસર તબીબી સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
મૃત્યુઆંક વધી શકે
રોયટર્સ અનુસાર ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના મુખ્ય સચિવ નદીમ અસલમ ચૌધરીએ જણાવ્યું કે કુર્રમમાં થયેલા હુમલામાં માર્યા ગયેલા લોકોમાં એક મહિલા અને એક બાળક પણ સામેલ છે. તેમણે કહ્યું કે આ એક મોટી દુર્ઘટના છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે. જો કે હજુ સુધી કોઈ જૂથે આ ઘટનાની જવાબદારી લીધી નથી. પારાચિનારના સ્થાનિક રહેવાસી ઝિયારત હુસૈને જણાવ્યું હતું કે પેસેન્જર વાહનોના બે કાફલા હતા, એક પેશાવરથી પારાચિનાર અને બીજો પારાચિનારથી પેશાવર તરફ મુસાફરોને લઈ જઈ રહ્યો હતો, ત્યારે સશસ્ત્ર માણસોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. તેણે જણાવ્યું કે તેના સંબંધીઓ પેશાવરથી કાફલામાં મુસાફરી કરી રહ્યા હતા.