• પંજાબના ગવર્નર હાઉસમાં લીધા શપથ
  • મારી જીત દરેક પાકિસ્તાની મહિલાની જીત છે : મરિયમ નવાઝ
  • ઇમરાનના સમર્થક ધારાસભ્યોએ શપથ ગ્રહણનો બહિષ્કાર કર્યો : મરિયમ નવાઝ

પાકિસ્તાનના પંજાબ વિધાનસભાગૃહમાં વોટિંગ થયું, જેમાં મરિયમ નવાઝનો વિજય થયો.મરિયમને 220 ધારાસભ્યોનું સમર્થન મળ્યું,જ્યારે SIC ઉમેદવાર રાણા આફતાબ, જેમણે ગૃહનો બહિષ્કાર કર્યો હતો, તેમને એક પણ મત મળ્યો ન હતો.શપથ સમારોહ પછી લગભગ દોઢ કલાકના ભાષણ દરમિયાન મરિયમે કહ્યું- હું ઈચ્છું છું કે વિપક્ષ પણ આ લોકતાંત્રિક પ્રક્રિયાનો ભાગ બને. આ પછી, જો તેમણે મારા ભાષણ દરમિયાન પ્રદર્શન પણ કર્યું હોત, તો મને આનંદ થયો હોત. મારા કાર્યાલય અને હૃદયના દરવાજા વિરોધી પક્ષ માટે હંમેશા ખુલ્લા રહેશે.

મારા પિતાનો સાથ

મરિયમે કહ્યું કે, ચૂંટણી દરમિયાન અને તે પહેલા મારી અને મારા પરિવાર પર ઘણા ગુના નોધાયા, પરંતુ હું કોઈની પાસેથી બદલો લેવા માંગતી નથી. મારી જીત પાકિસ્તાનની દરેક મહિલાની જીત છે. મારા પિતા અને PML-Nના સુપ્રીમો નવાઝ શરીફે આ પદ સુધી પહોંચવામાં હંમેશા મારો સાથ આપ્યો છે.મરિયમે આગળ કહ્યું- આજે હું એ ખુરશી પર બેઠી છું જ્યાં એક સમયે મારા પિતા બેઠા હતા. તેઓ એકમાત્ર પાકિસ્તાની છે જે ત્રણ વખત પંજાબના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. હવે મારો હેતુ પંજાબમાં આર્થિક અને સામાજિક પ્રગતિ લાવવાનો છે. હું મારા કાર્યાલય પર પહોંચતાની સાથે જ પાર્ટીના મેનિફેસ્ટોને લાગુ કરવા માટે કામ શરૂ કરીશ.

23 ફેબ્રુઆરીએ ધારાસભ્ય તરીકે શપથ લીધા

આ પહેલા 23 ફેબ્રુઆરીએ મરિયમે અન્ય નેતાઓ સાથે ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા.પંજાબ વિધાનસભાના અધ્યક્ષ સિબતૈન ખાને 313 ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. તેમાં PML-N અને તેના સાથી પક્ષોના 215 ધારાસભ્યો અને સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલ (SIC) પાર્ટીમાં જોડાનારા ઇમરાન દ્વારા સમર્થિત 98 ઉમેદવારોનો સમાવેશ થાય છે.મરિયમ અને અન્ય ધારાસભ્યોના શપથ ગ્રહણ દરમિયાન પૂર્વ PM ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. પંજાબ વિધાનસભા 371 બેઠકો સાથે પાકિસ્તાનનું સૌથી મોટું ચૂંટાયેલું ગૃહ છે. તેમાં 297 સામાન્ય બેઠકો અને 74 અનામત બેઠકો છે, જેમાં 66 મહિલાઓ માટે અને 8 લઘુમતીઓ માટે છે.8 ફેબ્રુઆરીએ 296 સામાન્ય બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યારે એક બેઠક પર ઉમેદવારના મૃત્યુને કારણે મતદાન મોકૂફ રાખવામાં આવ્યું હતું.

મરિયમનો વર્ષ 2011માં રાજકારણમાં પ્રવેશ

મરિયમ નવાઝ 2011માં સક્રિય રાજકારણમાં આવી હતી. તેમણે પોતાની રાજનીતિની શરૂઆત યુનિવર્સિટીઓમાં અને મહિલાઓના મુદ્દાઓ પર ભાષણો આપીને કરી હતી. વર્ષ 2017 મરિયમ માટે સર્વશ્રેષ્ઠ હતું, પરંતુ તે જ વર્ષે તેના પિતા નવાઝ શરીફનું નામ પનામા પેપર્સમાં આવ્યા બાદ પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યું હતું.અહીંથી મરિયમે પોતાની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ની કમાન સંભાળી. તે જ વર્ષે, BBCએ તેનો 100 પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં સમાવેશ કર્યો. આ પછી, તે ન્યૂયોર્ક ટાઇમ્સની વિશ્વની 11 શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહી.

  • Follow us on: