દક્ષિણ ચીન સાગરમાં ચીનના વધતા તણાવ વચ્ચે ફિલિપાઈન્સની સેનાએ આજે બે સપ્તાહ લાંબી યુદ્ધાભ્યાસની શરૂ કરી હતી. આ યુદ્ધાભ્યાસમાં ફિલિપાઈન્સ આર્મી એક એવા ટાપુને કબજે કરવાની પ્રેક્ટિસ પણ કરશે, જે ચીન સાથે વિવાદિત છે.
3,000થી વધુ આર્મી, નેવી અને એરફોર્સના જવાનો ભાગ લેશે
ફિલિપાઈન્સના આ પગલાથી દક્ષિણ ચીન સાગરમાં ફરી એકવાર તણાવ વધવાની શક્યતા રહેલી છે. ચીને અત્યાર સુધી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે ફિલિપાઈન્સના આ પગલાથી આ ક્ષેત્રમાં તણાવમાં વધારો થઈ શકે છે. ફિલિપાઈન્સની સેનાએ કહ્યું કે આ યુદ્ધાભ્યાસમાં 3,000થી વધુ આર્મી, નેવી અને એરફોર્સના જવાનો ભાગ લેશે. સેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ યુદ્ધાભ્યાસ કોઈ દેશ વિરુદ્ધ નથી પણ તૈયારીઓને મજબૂત કરવા માટે છે.
ચીન સામે મુકાબલો કરવાની તૈયારી
ચીન સમગ્ર દક્ષિણ ચીન સાગર પર પોતાનો દાવો કરે છે. આ સંદર્ભમાં ચીને છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી તેની સૈન્ય દળમાં વધારો કર્યો છે અને દક્ષિણ ચીન સાગરમાં તેના દાવાઓમાં તે ખુબ જ આક્રમક છે. ચીનના દાવાનો ફિલિપાઈન્સ, વિયેતનામ, મલેશિયા, ઈન્ડોનેશિયા, બ્રુનેઈ અને તાઈવાન વિરોધ કરી રહ્યા છે અને આને લઈને આ દેશોની નૌકાદળ ઘણી વખત અથડામણ કરી ચૂકી છે. ઓક્ટોબર મહિનામાં જ ઈન્ડોનેશિયાએ કહ્યું હતું કે તેના પેટ્રોલિંગ જહાજોએ ચીનના કોસ્ટ ગાર્ડ જહાજને ભગાડી મુક્યુ હતું. ચીનનું જહાજ દક્ષિણ ચીન સમુદ્રના એક ભાગમાં સર્વે કરી રહેલી ઈન્ડોનેશિયાની બોટમાં દખલ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
ફિલિપાઈન્સ સેનાએ શું કહ્યું?
આ યુદ્ધાભ્યાસ શરૂ કરતી વખતે ફિલિપાઈન્સના આર્મી ચીફે કહ્યું કે આ યુદ્ધાભ્યાસનો હેતુ કોઈપણ બાહ્ય ખતરાનો જવાબ આપવા માટે પોતાની સેનાને તૈયાર કરવાનો છે. આર્મી ચીફે કહ્યું કે જે પણ અમારી સંપ્રભુતાને પડકારવાનો પ્રયાસ કરશે તેને જવાબ આપવામાં આવશે. ફિલિપાઈન્સની આ યુદ્ધાભ્યાસનો ચીન કેવી રીતે જવાબ આપશે તે પ્રશ્ન પર સેનાના કર્નલ લોજીકોએ કહ્યું કે અમને આશા છે કે ચીનના દળો દૂરથી નજર રાખશે, પરંતુ તેઓ કોઈ જવાબી કાર્યવાહી કરશે નહીં. આર્મીએ કહ્યું કે આ યુદ્ધાભ્યાસમાં લાઈવ ફાયર ડ્રીલ, આર્ટિલરી અને એસોલ્ટ રાઈફલ્સ તેમજ બીચ પર લેન્ડિંગનો અભ્યાસ પણ સામેલ હશે.
ચીન આ ક્ષેત્રમાં યુદ્ધાભ્યાસની વિરુદ્ધ છે
ચીન આ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારના યુદ્ધાભ્યાસની વિરુદ્ધ છે અને તેણે સખત વાંધો વ્યક્ત કર્યો છે, ખાસ કરીને જ્યારે તે યુએસ દળોને સામેલ કરે છે. આ ક્ષેત્રમાં ચીનની દખલગીરી ઘટાડવા માટે અમેરિકાએ ઘણા દેશો સાથે સૈન્ય કરાર કર્યા છે, જેના કારણે તેની નૌકાદળ આ ક્ષેત્રમાં હાજર છે. ફિલિપાઈન્સ સાથે અમેરિકાના સૈન્ય કરાર હેઠળ અમેરિકા ફિલિપાઈન્સમાં નેવલ બેઝનો પણ ઉપયોગ કરી શકે છે. આવતા વર્ષે, યુએસ અને ફિલિપાઈન્સે આ પ્રદેશમાં "બાલીકાટન" નામની તેમની સૌથી મોટી વાર્ષિક યુદ્ધાભ્યાસનું આયોજન કર્યું છે. આ ક્ષેત્રમાં તાઈવાનની હાજરી તેને ચીન માટે સંવેદનશીલ બનાવે છે.













