- નરેન્દ્ર મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સાથે મુલાકાત કરી
- રાષ્ટ્રપતિ મુઈઝુ અને મારી આજે અર્થપૂર્ણ મુલાકાત થઈ હતી:PM મોદી
- બંને નેતાઓએ બંને દેશો વચ્ચેના વ્યાપક દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (1 ડિસેમ્બર) માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે મુઈઝુને અભિનંદન પાઠવ્યા હતા. મોહમ્મદ મુઈઝુ ભારત વિરોધી પગલાને કારણે સમાચારમાં છે તેથી આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મોહમ્મદ મુઈઝુએ માલદીવમાં વિદેશી દળોની હાજરીને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે ભારતને 77 ભારતીય સૈન્ય કર્મચારીઓને પરત લેવા વિનંતી કરી હતી.
PM મોદીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ મુઈઝુ અને મારી આજે અર્થપૂર્ણ મુલાકાત થઈ હતી. તેમણે કહ્યું હતું કે, 'અમે વિવિધ ક્ષેત્રોમાં ભારત-માલદીવની મિત્રતા વધારવાની રીતો પર ચર્ચા કરી હતી. અમે અમારા લોકોના લાભ માટે સહકારને વધુ ગાઢ બનાવવા માટે સાથે મળીને કામ કરવા આતુર છીએ.
આ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે બંને નેતાઓએ બંને દેશો વચ્ચેના વ્યાપક દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી જેમાં લોકો વચ્ચેના સંબંધો, વિકાસ સહયોગ, આર્થિક સંબંધો, જળવાયુ પરિવર્તન અને રમતગમતનો સમાવેશ થાય છે. બાગચીએ કહ્યું હતું કે, 'બંને નેતાઓએ તેમની ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની રીતો પર પણ ચર્ચા કરી હતી. આ સંદર્ભે તેઓ કોર ગ્રુપ બનાવવા માટે સંમત થયા હતા.
'ચીન સાથે ગાઢ સંબંધો'
ઉલ્લેખનીય છે કે 25 નવેમ્બરના રોજ મોહમ્મદ મુઈઝુએ માલદીવમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી. તેઓ પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સ (PPM) ગઠબંધનના નેતા છે અને આ જોડાણ ચીન સાથેના ગાઢ સંબંધો માટે પણ જાણીતું છે. મુઈઝૂ માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનનો નજીકનો સાથી છે. 2013 થી 2018 સુધી રાષ્ટ્રપતિ પદ સંભાળતા યામીને ચીન સાથે ગાઢ સંબંધો જાળવી રાખ્યા હતા.
માલદીવમાં ભારતીય સૈનિકોની સંખ્યા અંગે કોઈ નક્કર માહિતી નથી
તેમના ગઠબંધન PPM-PNCએ માલદીવમાં ભારતીય સેનાની કથિત હાજરી સામે 'ઇન્ડિયા આઉટ' ના નારા લગાવ્યા હતા અને આ સંદર્ભે અનેક વિરોધ પ્રદર્શનો પણ યોજ્યા હતા. હાલ માલદીવમાં ભારતીય સૈનિકોની સંખ્યા અંગે કોઈ નક્કર માહિતી નથી.