- પીઓકેના કાર્યકરે યુએનમાં મુદ્દો ઉઠાવવા ભારતને અપીલ કરી
- પીઓકેમાં છેલ્લા ઘણા દિવસોથી મોંઘવારીના વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે
- પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ પીઓકેને લઈ ચિંતિત
પાડોશી દેશ પાકિસ્તાને પચાવી પાડેલા પીઓકેમાં હાલ ભીષણ ઘર્ષણ ચાલી રહ્યું છે. આને લઈ પાકિસ્તાનના વડાપ્રધાન ચિંતાગ્રસ્ત છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે પીઓકેના લોકોની સમસ્યાનું સમાધાન શોધવા એક સમિતિની રચના કરી છે. મહત્ત્વનું છે કે ગુરુવારે શાહબાઝ સરકાર એક દિવસ મુલાકાતે મુજફફરાબાદ ગયા હતા. લોકોએ તેમની સમક્ષ પોતાની માંગ રાખી પરંતુ આ દરમિયાન કેટલાક ઉપદ્રવીઓએ રમખાણ ફેલાવવા અને હોબાળો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ અને સૈન્ય જવાનોએ તાત્કાલિક હોબાળાને ડામી દઈ સ્થિતિ પર કાબૂ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, શાહબાઝ શરીફે ગુરુવારે પીઓકેની સરકારની કેબિનેટની એક વિશેષ બેઠકને સંબોધિત કરી હતી. આ દરમ્યાન તેમને વોટર ટેક્સ અને નીલમ-જેલમ હાઇડ્રોઈલેક્ટ્રિક પ્લાન્ટ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા એક સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો હતો. પીઓકેમાં ઘઉંના લોટની ઉંચા ભાવ અને વધેલા વીજળીના બિલ ઉપરાંત અન્ય ટેક્સ વિરુદ્ધ પ્રદર્શન કરતા લોકો અને સુરક્ષાદળોની વચ્ચે ઝપાઝપીમાં એક પોલીસ જવાન સહિત ચાર લોકોનાં મોત થયા હતા. આ ઉપરાંત હુમલામાં ઘણાં લોકો ઈજાગ્રસ્ત પણ થયા હોવાનું સામે આવ્યું હતું.













