- ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 4 દિવસીય યુદ્ધવિરામ સમાપ્ત
- કતારના વિદેશ મંત્રાલયે યુદ્ધવિરામને લઇ કરી જાહેરાત
- "યુદ્ધવિરામને બે દિવસ માટે લંબાવવામાં આવશે"
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામ સમાપ્ત થવાના આરે છે. આ દરમિયાન કતારના વિદેશ મંત્રાલયે મોટી જાહેરાત કરી છે કે આ યુદ્ધવિરામને બે દિવસ માટે લંબાવવામાં આવ્યો છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામ સમાપ્તિ તરફ આગળ વધી રહ્યો છે. દરમિયાન, કતારના વિદેશ મંત્રાલયે મોટી જાહેરાત કરી છે કે આ યુદ્ધવિરામને વધુ બે દિવસ માટે લંબાવવામાં આવ્યો છે. બંને પક્ષો વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામના છેલ્લા દિવસે આ જાહેરાત કરવામાં આવી છે. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, ગાઝા પટ્ટી પર માનવતાવાદી યુદ્ધવિરામને વધારવા માટે સમજૂતી થઈ છે. હવે તેને બે દિવસ માટે લંબાવવામાં આવી રહી છે. "કતાર જાહેરાત કરે છે કે ચાલુ મધ્યસ્થી હેઠળ ગાઝા પટ્ટીમાં માનવતાવાદી યુદ્ધવિરામને વધુ 2 દિવસ સુધી લંબાવવા માટે સમજૂતી કરવામાં આવી છે.
બે દિવસીય યુદ્ધવિરામ પર હમાસે શું કહ્યું?
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઇજિપ્તની સાથે કતાર મુખ્ય મધ્યસ્થી રહ્યું છે. બંને પક્ષો વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામના છેલ્લા દિવસે આ જાહેરાત કરવામાં આવી છે. આ સંદર્ભમાં હમાસે કહ્યું કે તે કતાર અને ઇજિપ્ત સાથે અગાઉના ચાર દિવસીય યુદ્ધવિરામની જેમ જ ઇઝરાયેલ સાથે યુદ્ધવિરામના બે દિવસના વિસ્તરણ માટે સંમત છે. હમાસના એક અધિકારીએ જણાવ્યું કે, "કતાર અને ઈજિપ્ત અસ્થાયી માનવતાવાદી યુદ્ધવિરામને વધુ બે દિવસ લંબાવવા માટે સંમત થયા છે. આમાં પણ અગાઉના યુદ્ધવિરામ જેવી જ શરતો હશે."
ઈઝરાયેલે 39 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કર્યા
ઈઝરાયેલ અને હમાસ બંધકોના ચોથા વિનિમયની તૈયારી કરી રહ્યા છે. આ પહેલા રવિવારે હમાસે વધુ 17 બંધકોને મુક્ત કર્યા હતા. જેમાં 14 ઈઝરાયેલ અને ત્રણ થાઈ બંધકોનો સમાવેશ થાય છે. બદલામાં ઈઝરાયેલે 39 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કર્યા.
યુદ્ધમાં 15,000 થી વધુ પેલેસ્ટિનિયનોના મોત
તમને જણાવી દઈએ કે યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 15,000 થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જેમાં લગભગ બે તૃતીયાંશ મહિલાઓ અને બાળકો છે, જ્યારે ઇઝરાયેલમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા છે.