રશિયામાં યમલ-નેનેટ્સ ઓટોનોમસ ક્ષેત્રમાં સાઇબિરીયા આવેલું છે. અહીં પર કેટલાક વર્ષોથી સતત વિસ્ફોટો થઈ રહ્યા છે. અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાય છે. જ્યારે આ વિસ્ફોટોનું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી તો ત્યાં વિશાળ ખાડાઓ જોવા મળ્યા.


વિશાળ ખાડાઓ કેવી રીતે બને છે?

વૈજ્ઞાનિકોએ આ ખાડાઓ બનવાનું કારણ શોધી કાઢ્યું. કારણ કે આ વિસ્તાર પર્માફ્રોસ્ટ છે. એટલે કે અહીંની જમીન, માટી, પથ્થર, બરફ, પાણી બધું જ લાખો વર્ષોથી માઈનસ ટેમ્પરેચરમાં સતત થીજી ગયું છે. તો પછી આવી જગ્યાએ વિસ્ફોટો ક્યાં થઈ રહ્યા છે? જલવાયુ પરિવર્તન અને વધતા તાપમાનની અસર આર્કટિક સર્કલ પર પણ થઈ રહી છે. સાઇબિરીયામાં પર્માફ્રોસ્ટનું તાપમાન વધી રહ્યું છે. જેથી ભૂગર્ભ જળ હવે વહેવા લાગ્યું છે. જેના કારણે પર્માફ્રોસ્ટ હેઠળ તિરાડો બને છે.

વૈજ્ઞાનિકોએ ખાડાનો અભ્યાસ કર્યો

આ તિરાડોને કારણે મોટી-મોટી ટનલ બને છે. જ્યારે આ ટનલોના બનવાને કારણે મિથેન બહાર આવે છે ત્યારે તેને બહાર આવવા માટે જગ્યાની જરૂર પડે છે. જો ત્યાં કોઈ જગ્યા ન હોય ત્યારે દબાણ બને છે, ત્યારે અચાનક વિસ્ફોટ સાથે ખાડો બની જાય છે. અહીંથી જ મિથેન ગેસ બહાર નીકળે છે. વૈજ્ઞાનિકોએ આવા જ એક ખાડાનો અભ્યાસ કર્યો. આ ખાડો 160 ફૂટ ઊંડો અને 230 ફૂટ પહોળો હતો. 2014માં પ્રથમ વખત આ પ્રકારનો ખાડો રચાયો હતો. આ ખાડાનો અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિકો તેની અંદર ઊંડે સુધી ઉતર્યા હતા. સુરંગમાંથી મિથેન ગેસ નીકળી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ અંદર બરફ અને પથ્થરોનો વિશાળ જથ્થો છે.

વધતા તાપમાનને કારણે પર્માફ્રોસ્ટને નકારાત્મક અસર

કેમ્બ્રિજ યુનિવર્સિટીના કેમિકલ એન્જિનિયર અને આ અભ્યાસમાં સામેલ અના મરોગાદોએ જણાવ્યું હતું કે, વધતા તાપમાનને કારણે પર્માફ્રોસ્ટ પર પણ નકારાત્મક અસર થઈ રહી છે. પર્માફ્રોસ્ટની નીચેનું વાતાવરણ બગડી રહ્યું છે. મિથેનને અંદરથી બહાર નીકળવા માટે જગ્યાની જરૂર હોય છે. જ્યારે જગ્યા ન હોય ત્યારે આવા વિસ્ફોટો થશે. અનાએ કહ્યું કે, આવા ખાડા માત્ર સાઈબેરિયામાં જ જોવા મળ્યા છે. આ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. અમે પાણી-મિથેનમાંથી બનેલા ક્રિસ્ટલ્સની સતત તપાસ કરી રહ્યા છીએ. તેને મિથેન હાઇડ્રેટ કહેવામાં આવે છે.

  • Follow us on: