વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રશિયાના કઝાન શહેરમાં આયોજીત બ્રિક્સ સમિટને સંબોધતા ચીન અને રશિયા સહિત સમગ્ર વિશ્વને સલાહ આપી કે યુદ્ધ કોઇ પણ સમસ્યાનું સમાધાન નથી. અમે યુદ્ધનું નહીં પણ ડાયલોગ (સંવાદ) અને ડિપ્લોમસી (મુત્સદ્દીગીરી)નું સમર્થન કરીએ છીએ.


વડાપ્રધાન મોદીના સંબોધન સમયે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન પણ ઉપસ્થિત હતા. મોદીએ એમ પણ કહ્યું હતું કે બ્રિક્સ સમિટના શાનદાર આયોજન માટે હું પ્રેસિડેન્ટ પુતિનનો હાર્દિક આભાર માનું છું. મને ઘણી ખુશી છે કે આજે અમે પહેલીવાર એક્ષ્ટેન્ડેડ બ્રિક્સ ફેમિલીના રૂપમાં મળી રહ્યા છીએ. બ્રિક્સ પરિવાર સાથે જોડાયેલા તમામ નવા સભ્યો અને સાથીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. આ સમિટ એવા સમયે થઇ રહી છે કે જ્યારે દુનિયા યુદ્ધો, સંઘર્ષો, આર્થિક અનિશ્ચિતતા , ક્લાઇમેટ ચેન્જ અને આતંકવાદ જેવા અનેક પડકારોથી ઘેરાયેલી છે. વિશ્વમાં નોર્થ-સાઉથ અને ઇસ્ટ-વેસ્ટ ડિવાઇડની વાત થઇ રહી છે. મોંઘવારી પર અંકુશ, ફૂડ સિક્યોરિટી, એનર્જી સિક્યોરિટી, હેલ્થ સિક્યોરિટી અને વોટર સિક્યોરિટી તમામ દેશો માટે પ્રાથમિકતાના વિષયો છે. વળી, ટેક્નોલોજીના આ યુગમાં સાયબર સિક્યોરિટી, ડીપ ફેક અને ફેક ન્યૂઝ જેવા નવા પડકારો પણ ઊભા થયા છે. આ સ્થિતિમાં બ્રિક્સ પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. મારું માનવું છે કે એક ડાઇવર્સ અને ઇન્ક્લુસિવ પ્લેટફોર્મના રૂપમાં બ્રિક્સ તમામ વિષયો પર હકારાત્મક ભૂમિકા અદા કરી શકે છે. આ સંદર્ભમાં આપણો અભિગમ જનકેન્દ્રિત હોવો જોઇએ. આપણે વિશ્વને એવો સંદેશ આપવો જોઇએ કે બ્રિક્સ વિભાજનકારી નહીં, જનહિતકારી સમૂહ છે.

BRICS વિશ્વને હકારાત્મક સહયોગ માટે પ્રેરિત કરી રહ્યું છે : વડાપ્રધાન

વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે આપણે ગ્લોબલ સાઉથના દેશોની આશાઓ, આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પણ ધ્યાનમાં રાખવાની છે. વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ અને G20ની અધ્યક્ષતા દરમિયાન ભારતે આ દેશોનો અવાજ વૈશ્વિક મંચ પર મૂક્યો છે. મને ખુશી છે કે બ્રિક્સ અંતર્ગત પણ આ પ્રયાસોને વેગ મળી રહ્યો છે. વિવિધ પ્રકારના વિચારો અને વિચારધારાઓના સંગમથી બનેલો BRICS સમૂહ આજે વિશ્વને હકારાત્મક સહકારની દિશામાં આગળ વધવા પ્રેરિત કરી રહ્યો છે. આપણી વિવિધતા, એકબીજા પ્રત્યે સન્માન અને સર્વસંમતિથી આગળ વધવાની પરંપરા આપણા સહયોગનો આધાર છે. આપણી આ ગુણવત્તા અને 'બ્રિક્સ સ્પિરિટ' અન્ય દેશોને પણ આ ફોરમ તરફ આકર્ષે છે. બ્રિક્સના સ્થાપક સભ્ય તરીકે ભારત પોતાની જવાબદારીઓ હંમેશા નિભાવતું રહેશે.


  • Follow us on: