• રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્
  • યુક્રેનના અનેક શહેરો પર રશિયાએ એકસાથે ડઝન મિસાઈલનો મારો કર્યો
  • રશિયામાં આઈએસઆઈસે એક હૉલમાં મુંબઈ જેવો આતંકી હુમલો કર્યો

રશિયામાં તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણી બાદ પુતિન 5મી વખત રાષ્ટ્રપતિ બનતાની સાથે જ રશિયન સેના જબરદસ્ત એટેક મોડમાં આવી ગઈ છે. રશિયન સેનાએ છેલ્લા ચાર દિવસમાં યુક્રેન પર ત્રીજો મોટો મિસાઈલ હુમલો કર્યો છે. રશિયાએ એક સાથે ડઝનબંધ મિસાઈલોથી યુક્રેનના અનેક શહેરોમાં તબાહી મચાવી હતી. જેના કારણે અનેક ગગનચુંબી ઈમારતો ખંડેરમાં ફેરવાઈ ગઈ હતી. અચાનક થયેલા હુમલાથી યુક્રેનમાં હોબાળો મચી ગયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા સુરક્ષિત સ્થળો તરફ ભાગવા લાગ્યા. અત્યાર સુધી, આ ઘાતક મિસાઈલ હુમલામાં યુક્રેનને કેટલું નુકસાન થયું છે તેની માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ મોટા હુમલાને કારણે યુક્રેનને ભારે નુકસાન થવાની આશંકા છે.

ઉલ્લેખનીય છે કે, મોસ્કોમાં કોન્સર્ટ હૉલ પર થયેલા હુમલા બાદ રશિયાએ આ હુમલો કર્યો છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિને પણ યુક્રેન પર કોન્સર્ટ પર હુમલામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. રશિયામાં આ હુમલામાં 150થી વધુ લોકોનાં મોત થયા છે. પોલેન્ડની સૈન્યએ જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયન હુમલા બાદ પશ્ચિમ યુક્રેન પર છોડવામાં આવેલી એક મિસાઇલ રવિવારે તેના એરસ્પેસમાં પડી હતી. કિવના મિલિટરી એડમિનિસ્ટ્રેશનના વડા સેરહી પોપકોએ જણાવ્યું હતું કે રશિયાએ Tu-95MS વ્યૂહાત્મક બોમ્બર્સમાંથી છોડેલી ક્રૂઝ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે આ હુમલાઓ રશિયાના સારાટોવ ક્ષેત્રના એંગલ્સ જિલ્લામાંથી શરૂ કરવામાં આવ્યા હતા.

પોલેન્ડમાં રશિયન મિસાઈલ પડતા નાટોમાં અરાજકતા

રશિયા દ્વારા યુક્રેન પર છોડવામાં આવેલી મિસાઈલમાંથી એક પોલેન્ડની એરસ્પેસમાં પડી હતી. આનાથી નાટો દેશોમાં પણ હલચલ મચી ગઈ હતી. કિવના સૈન્ય વહીવટના વડાએ જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતી અનુસાર, રાજધાનીમાં કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)ના સભ્ય પોલેન્ડના ઓપરેશન કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પશ્ચિમ યુક્રેનના શહેરો પર રશિયા દ્વારા છોડવામાં આવેલી ક્રુઝ મિસાઈલમાંથી એકે સવારે પોલેન્ડની એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પોલેન્ડની એરસ્પેસની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે.

  • Follow us on: