• સીમા હેદર વિવાદથી પાકિસ્તાની ડાકુએ સિંધમાં મંદિર પર કર્યો હુમલો
  • સિંધના મંત્રીએ હિંદુ સમુદાયને નુકસાન ન પહોંચાડવા વિનંતી કરી
  • પાકિસ્તાનને બદનામ કરી શકે તેવું કોઈ પણ કામ કરવાથી બચવું જોઈએ

પાકિસ્તાનથી પોતાના 4 બાળકોને લઈ ભાગીને આવેલી સીમા હૈદર ભારત સિવાય તેના દેશમાં પણ ચર્ચામાં છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતની રહેવાસી સીમા પોતાના પરિવારને છોડીને પ્રેમી સચિન સાથે રહેવા ભારત આવી ગઈ છે. તેને લઈને પાકિસ્તાનના એક વર્ગમાં નારાજગી છે. ગયા રવિવારે સિંધના કશ્મોરમાં એક મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે પાકિસ્તાની ડાકુ રાનો શારે મંદિરો પર હુમલાની ધમકી આપી હતી. સિંધમાં હિંદુઓ વિરુદ્ધ થઈ રહેલા હુમલાઓને જોતા સિંધના લઘુમતી બાબતોના મંત્રી જ્ઞાનચંદ ઈસરાનીએ ડાકુઓને હિંદુ સમુદાયને નુકસાન ન પહોંચાડવા વિનંતી કરી છે.

હિન્દુ સમુદાયમાં ભયનો માહોલ

પાકિસ્તાનના સ્થાનિક મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, સિંધના મંત્રીએ સિંધ પ્રાંતની વિધાનસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં આ અપીલ કરી હતી. મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાન (MQM-P)ના ધારાસભ્ય મંગલા શર્માએ વિધાનસભામાં જણાવ્યું હતું કે સિંધના નદીના વિસ્તારોમાં રહેતા ભારે સશસ્ત્ર ડાકુઓએ સિંધમાં મંદિર પર હુમલો કરવા માટે રોકેટ લોન્ચરનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મંદિર પર હુમલા બાદ હિન્દુ સમુદાયમાં ભયનો માહોલ છે.

દુનિયાભરમાં પાકિસ્તાનની બદનામી થશે

ગૃહમાં બોલતા મંત્રી જ્ઞાનચંદ ઈસરાનીએ કહ્યું હતું કે, ડાકુઓ પણ આ દેશના જ રહેવાસી છે અને તેમણે પાકિસ્તાનને બદનામ કરી શકે તેવું કોઈ પણ કામ કરવાથી બચવું જોઈએ. મને ડર છે કે, જો સિંધ પ્રાંતમાં રહેતા હિંદુઓને કોઈ નુકસાન થશે તો દુનિયાભરમાં પાકિસ્તાનની બદનામી થશે. પાકિસ્તાનમાં મુસ્લિમ બહુમતી ધાર્મિક અલ્પસંખ્યકો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખે છે અને તેમને સુરક્ષા પ્રદાન કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. તેમણે કહ્યું હતું ક, 'આ જ જીવવાનું છે અને આ જ મરવાનું છે. પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયે કોઈ ખોટું કર્યું નથી તેથી તેમના મંદિરોને નુકસાન ન પહોંચવું જોઈએ.


સિંધમાં મંદિરોની સુરક્ષા હાઈ એલર્ટ પર

સિંધમાં મંદિર પર થયેલા હુમલાને ધ્યાનમાં રાખીને પ્રાંતના પોલીસ વડા (આઈજીપી) ગુલામ નબી મેમને સિંધના તમામ મંદિરોની સુરક્ષા માટે હાઈ એલર્ટના આદેશ આપ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સિંધના મંદિરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિવિધ જિલ્લાઓમાં 400 પોલીસ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સિંધના આઈજીપી મેમને હિન્દુઓને મંદિરોની સુરક્ષા માટે તૈનાત અધિકારીઓને સહકાર આપવા જણાવ્યું હતું. પ્રાંતમાં રહેતા લઘુમતીઓ અને અન્ય સમુદાયોની સુરક્ષા કરવાની જવાબદારી પોલીસની છે.

સીમા હૈદર કેસને લઈને ડાકુઓએ મંદિરો પર હુમલો કરવાની ધમકી આપી

સીમા હૈદરના ભારત આવવાથી નારાજ થયેલા સિંધ પ્રાંતના ડાકુઓએ સીમા હૈદરને પાકિસ્તાન પરત મોકલવા નહીંતર હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવશે તેવી ધમકી આપતો વીડિયો જાહેર કર્યો હતો. આ ધમકી બાદ જ સિંધમાં મંદિર પર રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો.

પ્રેમી સચિન માટે સીમા પાકિસ્તાનથી ભારત આવી

સીમા હૈદર અને સચિન ઓનલાઈન ગેમ PUBG રમતી વખતે પ્રેમમાં પડ્યા હતા. ત્યાર બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થતાં દોઢ મહિના પહેલા સીમા પોતાનો દેશ છોડીને બાળકો સાથે નેપાળ થઈને ભારત આવી ગઈ હતી. તે સચિન સાથે ગ્રેટર નોઈડાના રબુપુરા વિસ્તારમાં રહેતી હતી. જ્યારે પોલીસને આ વાતની જાણ થઈ તો બંનેનો પ્રેમ દુનિયાની સામે આવ્યો હતો.

બંનેની લવસ્ટોરીની સાથે એવી પણ ચર્ચા થઈ રહી છે કે સીમા પાકિસ્તાની જાસૂસ હોઈ શકે છે. આની તપાસ માટે ઉત્તર પ્રદેશની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (UP ATS)ની એક ટીમ બનાવવામાં આવી છે જે સીમા અને સચિનની પૂછપરછ કરી રહી છે.


  • Follow us on: