• ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે રશિયાએ હમાસના પ્રતિનિધિમંડળનું આયોજન કર્યું
  • ઇઝરાયલે રશિયાના રાજદૂત બોલાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો
  • રશિયા ઈઝરાયેલ વિરુદ્ધ આતંકવાદને કાયદેસર બનાવી રહ્યું છે
ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે રશિયાએ હમાસના પ્રતિનિધિમંડળનું આયોજન કર્યું છે જેનાથી ઇઝરાયેલ નારાજ છે. રવિવારે ઇઝરાયલે રશિયાના રાજદૂત એનાટોલી વિક્ટોરોવને બોલાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ઈઝરાયેલનું કહેવું છે કે હમાસને હોસ્ટ કરવાનું સૂચવે છે કે રશિયા ઈઝરાયેલ વિરુદ્ધ આતંકવાદને કાયદેસર બનાવી રહ્યું છે.

રશિયાના આ પગલાનો સખત વિરોધ વ્યક્ત કર્યો

રશિયાએ ગયા અઠવાડિયે હમાસના પ્રતિનિધિમંડળનું આયોજન કર્યું હતું. રશિયાએ કહ્યું હતું કે હમાસની યજમાની એ ઇઝરાયેલ-પેલેસ્ટિનિયન સંઘર્ષમાં તમામ પક્ષો સાથે સંપર્ક જાળવી રાખવાનો પ્રયાસ છે. પરંતુ ઈઝરાયેલ રશિયાની આ દલીલથી સંતુષ્ટ નથી અને તેણે રશિયાના આ પગલાનો સખત વિરોધ વ્યક્ત કર્યો અને રવિવારે રશિયન રાજદૂતને બોલાવ્યા હતા.

ઇઝરાયલના વિદેશ મંત્રાલયે તેના વરિષ્ઠ સ્ટાફને ટાંકીને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'હમાસનું આયોજન ઇઝરાયેલ સામે આતંકવાદને કાયદેસર બનાવવાનો સંદેશ આપે છે.' નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રશિયન રાજદૂતને બોલાવવામાં આવ્યા છે અને તેમની સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

પેલેસ્ટાઈન સમર્થકોના કારણે રશિયામાં એરપોર્ટ બંધ કરવું પડ્યું

આ દરમિયાન દક્ષિણ રશિયામાં દાગેસ્તાનના મખાચકલા શહેરનું એરપોર્ટ પેલેસ્ટાઈન સમર્થકોના કારણે બંધ કરવું પડ્યું હતું. રવિવારે પેલેસ્ટાઈન સમર્થકો અચાનક મખાચકલા એરપોર્ટના રનવે પર પહોંચી ગયા હતા અને રનવે પર ભીડ સર્જી હતી. પ્રદર્શનકારીઓને સમાચાર મળ્યા હતા કે ઈઝરાયેલનું એક વિમાન એરપોર્ટ પર ઉતરવાનું છે ત્યારબાદ તેઓ ઈઝરાયેલ અને યહૂદીઓની શોધમાં એરપોર્ટ પહોંચ્યા હતા.

રશિયન રાજ્ય મીડિયા રોસાવિટસિયાએ માહિતી આપી હતી કે અજાણ્યા લોકો એરપોર્ટ પર પહોંચ્યા અને વિરોધ કરવા લાગ્યા જેના કારણે એરપોર્ટને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. ટેલિગ્રામ પર જાહેર કરાયેલા કેટલાક વીડિયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પર પહોંચ્યા છે. આ મામલે રશિયાના રાષ્ટ્રપતિ મહેલ ક્રેમલિન તરફથી હજુ સુધી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.

ઈઝરાયેલના જવાબી હુમલાથી ગાઝામાં તબાહી

પેલેસ્ટિનિયન જૂથ હમાસના લડવૈયાઓએ 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછા 1,400 લોકો માર્યા ગયા અને 200ને બંધક બનાવ્યા હતા. જવાબી કાર્યવાહીમાં ઇઝરાયેલ હમાસના નિયંત્રણવાળા ગાઝા પર ઝડપી હુમલાઓ શરૂ કરી રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં 8,000થી વધુ લોકો માર્યા ગયા છે. મૃતકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.

  • Follow us on: