ધરતી ઉપર વસવાટ કરતા લોકો એક દિવસમાં માત્ર એક જ વાર સૂર્યોદય અને એકવાર સૂર્યાસ્ત જોઈ શકે છે, પરંતુ શું તમે જાણો છો કે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેતા અવકાશયાત્રીઓ એક દિવસમાં 16 વાર સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ શકતા હોય છે. પાંચ મહિનામાં સ્પેસ સ્ટેશનમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ દરરોજ 16 વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત જુએ છે. પરંતુ શું તમે જાણો છો કે આ કઈ રીતે શક્ય થતું હોય છે? તો તમને વિગતવાર જણાવીએ...


સ્પેસ સ્ટેશનમાં જ સુનિતા વિલિયમ્સે દિવાળી ઉજવી

ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે આ વખતે સ્પેસ સ્ટેશનમાં દિવાળીની ઉજવણી કરી હતી. દિવાળઈના બે દિવસ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ આવાસમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી અને દરમિયાન સુનિતાનો એક વીડિયો ચલાવવામાં આવ્યો, જેમાં તે દિવાળીની શુભેચ્છા આપતી દેખાઈ હતી. આ દરમિયાન અમેરિકાના કાર્યક્રમને સંબોધન કરતા એક વૈજ્ઞાનિકે જણાવ્યું કે, સુનિતા વિલિયમ્સ દરરોજ 16 વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત જુએ છે.

એક દિવસમાં 16 સૂર્યોદય અને સૂર્યાસ્ત કેવી રીતે થાય છે?

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આશરે 260 માઈલ એટલે કે પૃથ્વીથી લગભગ 418 કિલોમીટર ઉપર છે અને પૃથ્વીની આસપાસ લગભગ 17500 માઈલ પ્રતિ કલાક એટલે કે 28160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરે છે. તેની ઝડપ 5 માઈલ પ્રતિ સેકન્ડ એટલે કે 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. સ્પેસ સ્ટેશનની ઝડપનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે માત્ર 90 મિનિટમાં પૃથ્વીની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરે છે. આ મુજબ, સ્પેસ સ્ટેશન એક દિવસમાં 16 વખત પૃથ્વીની આસપાસ ફરે છે. આ કારણે સ્પેસ સ્ટેશનમાં રહેતા અવકાશયાત્રીઓ એક દિવસમાં 16 સૂર્યોદય અને 16 સૂર્યાસ્ત જુએ છે.

  • Follow us on: