ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિએ એક ઈન્ટરવ્યુમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે એમ કહીને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ઈઝરાયલનું મોસાદ ઈરાનમાં કાર્યરત તેના ગુપ્તચર નેટવર્ક દ્વારા સુપ્રીમ લીડર ખામેનીની સુરક્ષાને પણ જોખમમાં મૂકી શકે છે. આ માટે તેણે આઠ વર્ષ પહેલાનું ઉદાહરણ આપ્યું હતું, જેના પરથી સમજી શકાય છે કે મોસાદે ઈરાનની અંદર પોતાના મૂળ કેટલા ઊંડે સુધી સ્થાપિત કર્યા છે.
ઈરાનના ઘણા પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યા
અહમદીનેજાદે જણાવ્યું કે, ઈરાન દેશની અંદર મોસાદની ગતિવિધિયોનો સામનો કરવા માટે એક વિશેષ એકમની સ્થાપના કરી હતી, પરંતુ પાછળથી એવું બહાર આવ્યું હતું કે આ એકમનો પ્રમુખ પોતે ઈઝરાયેલનો એજન્ટ હતો અને તેણે અન્ય 20 એજન્ટો સાથે મળીને 2018માં "મહત્વના પરમાણુ દસ્તાવેજો" ચોરી કરી લીધા હતા. આ સાથે તેણે ઈરાનના ઘણા પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યા કરી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, તમામ એજન્ટ પકડાયા પહેલા ઈરાનમાંથી ભાગી જવામાં સફળ થયા હતા અને હવે ઈઝરાયલમાં રહે છે.
એક લાખ પરમાણુ દસ્તાવેજોની ચોરી થઈ હતી
મીડિયો અહેવાલ મુજબ છ વર્ષ પહેલા એક સાહસિક અભિયાનમાં મોસાદના એજન્ટોએ મધ્યરાત્રિએ તેહરાનમાં એક વેરહાઉસમાં ઘૂસી ગયા હતા અને ઈરાનના પરમાણુ હથિયારોના વિકાસની વિગતો આપતા 100,000થી વધુ દસ્તાવેજોની ચોરી કરી હતી. માત્ર છ કલાકના સમયગાળામાં બે ડઝનથી વધુ એજન્ટોએ દસ્તાવેજો સુધી પહોંચવા માટે વેરહાઉસની અંદર તિજોરીઓને કાપી નાખી હતી, જ્યાર બાદ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી દ્વારા અધિકૃત તરીકે ચકાસવામાં આવ્યા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિએ ઈરાન સાથે પરમાણુ કરાર કર્યો સમાપ્ત
ત્યારબાદ વડાપ્રધાન નેતન્યાહૂએ જાહેરાત કરી કે તેમના દેશને ઈરાનમાં પરમાણુ હથિયાર મેળવવાના પ્રયાસો સંબંધિત ફાઇલોનો ભંડાર મળ્યો છે. તેમણે તેલ અવીવના એક મંચ પરથી તે દસ્તાવેજો રજૂ કર્યા. નેતન્યાહૂએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને એક ખાનગી બ્રિફિંગમાં દસ્તાવેજો બતાવ્યા, જ્યાર બાદ અમેરિકાના રાષ્ટ્રપતિએ ઈરાન સાથે 2015ના પરમાણુ કરારને સમાપ્ત કરવો પડ્યો.
ઈઝરાયલ ઈરાનમાંથી કોઈ પણ માહિતી સરળતાથી મેળવી શકે છે
પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, ઈઝરાયલ ઈરાનની અંદર જટિલ કાર્યવાહી કરે છે. તેઓ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી સરળતાથી મેળવી શકે છે. ઈરાનના અધિકારીઓ હજુ પણ આ સ્થિતિ અંગે મૌન છે. મોસાદ પાસે ઈરાનમાં શેરીઓમાં અને સરકારની અંદર એજન્ટોનું એટલું મોટું નેટવર્ક હતું કે તેઓ કોઈની પણ હત્યા કરી શકે છે. અહમદીનેજાદ 2013 સુધી ઈરાનના રાષ્ટ્રપતિ હતા. તેમના પછી હસન રુહાનીએ કાર્યભાર સંભાળ્યો.
ઈરાનના દરેક વિભાગમાં ઈઝરાયલના એજન્ટો
હસન રુહાનીના મુખ્ય સલાહકાર અને પૂર્વ ઈરાનના ગુપ્તચર મંત્રી અલી યૂનેસીએ 2022માં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “મોસાદે છેલ્લા દસ વર્ષમાં ઈરાનના વિવિધ રાજ્ય એકમોમાં ઘૂસણખોરી કરી છે. તમામ સરકારી અધિકારીઓને હવે તેમના જીવ માટે ડરવાની જરૂર છે. સ્થિતિ એટલી હદે પહોંચી ગઈ છે કે, તેઓ સરકારી અધિકારીઓને ખુલ્લેઆમ ધમકીઓ આપવા લાગ્યા છે. "જાસૂસી મંત્રાલયમાં કામ કરનાર વ્યક્તિ તરીકે, આ પરિસ્થિતિ મને દુઃખ આપે છે."
ઈઝરાયલની સેનાના હુમલામાં નસરાલ્લાહનું મોત
27 સપ્ટેમ્બરના રોજ ઈઝરાયલની સેનાએ બેરૂતમાં હવાઈ હુમલો કર્યો, જેના પરિણામે હિઝબુલ્લાહના પ્રમુખ હસન નસરાલ્લાહનું મોત થયું હતું. આ હત્યાએ ઈરાની શાસનમાં જાસૂસી અંગે વ્યાપક ચર્ચા જગાવી છે. એક રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે નસરલ્લાહને શોધવા માટે એક વ્યક્તિએ તેમની સાથે હાથ મિલાવ્યો હતો. જેણે કોઈ શંકાસ્પદ પદાર્થ લગાવેલો હતો. તે પદાર્થ નસરલ્લાહના હાથ પર લાગ્યો અને તે ઈમારત પર પહોંચ્યાની માત્ર બે મિનિટ બાદ જ ઈઝરાયલની એરફોર્સે તેના પર બોમ્બમારો કર્યો.













