• ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પર ભારતે આપી પ્રતિક્રિયા
  • આતંકવાદના ખતરા સામે લડવું એ વૈશ્વિક જવાબદારી
  • ભારત આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવાની સાર્વત્રિક જવાબદારીથી વાકેફ છે

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ભારતે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, તેણે હંમેશા પેલેસ્ટાઇનના સાર્વભૌમ, સ્વતંત્ર અને વ્યવહારુ રાજ્યની સ્થાપના માટે સીધી વાટાઘાટોની હિમાયત કરી છે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પર પહેલા નિવેદનમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવું એ એક સાર્વત્રિક જવાબદારી છે અને આતંકવાદના ખતરા સામે લડવું એ પણ વૈશ્વિક જવાબદારી છે. તેમણે કહ્યું હતું કે ભારત આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવાની સાર્વત્રિક જવાબદારીથી વાકેફ છે.

ભારતે હંમેશા ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે શાંતિપૂર્ણ સંબંધોની હિમાયત કરી

પેલેસ્ટાઈન મુદ્દે ભારતના વલણનો પુનરોચ્ચાર કરતાં તેમણે કહ્યું હતું કે, આ અંગે અમારી નીતિ લાંબા ગાળાની અને સુસંગત રહી છે. ભારત સરકારે હંમેશા સુરક્ષિત અને માન્ય સરહદોની અંદર સાર્વભૌમ, સ્વતંત્ર અને વ્યવહારુ પેલેસ્ટાઈનની સ્થાપના તેમજ ઈઝરાયેલ સાથે શાંતિપૂર્ણ સંબંધો માટે ઈઝરાયેલ સાથે સીધી વાટાઘાટો ફરી શરૂ કરવાની હિમાયત કરી છે. આ વલણ અકબંધ રહે છે.

ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા પર સરકારનું ધ્યાન

તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતનું ધ્યાન ઈઝરાયેલમાંથી એવા ભારતીયોને પરત લાવવા પર છે જે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાછા ફરવા માંગે છે. ભારત સરકારનું આ નિવેદન અગાઉના નિવેદનો બાદ આવ્યું છે જેમાં ઈઝરાયેલ માટે સ્પષ્ટ સમર્થનની ઓફર કરવામાં આવી હતી અને પેલેસ્ટાઈનનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

ભારત સરકારના આ બંને નિવેદનો વધુ સંતુલિત જણાય છે. કારણ કે મે 2021માં જ્યારે હમાસ દ્વારા રોકેટ છોડ્યા અને ત્યારબાદ ઇઝરાયેલના હવાઈ હુમલામાં લગભગ 300 લોકો માર્યા ગયા હતા ત્યારે ભારતે બંને પક્ષોની ટીકા કરી હતી.

ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઇઝરાયલની સાથે છેઃ PM મોદી

હમાસ દ્વારા ઈઝરાયેલ પર થયેલા હુમલામાં ભારતે ખુલ્લેઆમ ઈઝરાયેલને સમર્થન આપ્યું છે. મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન નેતન્યાહૂએ પીએમ મોદીને યુદ્ધ વિશે સંપૂર્ણ માહિતી આપી. આ સાથે જ પીએમ મોદીએ આશ્વાસન આપતા કહ્યું હતું કે, ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઈઝરાયલની સાથે છે. અને અમે દરેક પ્રકારના આતંકવાદની વિરુદ્ધ છીએ.


  • Follow us on: