- ઈઝરાયલ-હમાસ વચ્ચે સતત યુદ્ધ યથાવત્
- યુદ્ધને લીધે બંને પક્ષે ભીષણ ખુવારી
- ઈન્ટરનેશનલ કોર્ટમાં ઈઝરાયલે પોતાનો પક્ષ રાખ્યો
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) એ ઇઝરાયેલને કહ્યું છે કે તે ખાતરી કરે કે તેના દળો ગાઝામાં નરસંહાર ન કરે અને ત્યાંની માનવતાવાદી પરિસ્થિતિને સુધારવા માટે સુધારાત્મક પગલાં લે.
હવે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે ઈઝરાયલ તેની સુરક્ષા માટે દરેક સંભવ પગલાં લેવાનું ચાલુ રાખશે. અગાઉ કોર્ટમાં સુનાવણી દરમિયાન દક્ષિણ આફ્રિકાએ કહ્યું હતું કે ગાઝામાં ઈઝરાયેલની કાર્યવાહી નરસંહાર સંમેલનનું ઉલ્લંઘન કરે છે.
દક્ષિણ આફ્રિકાએ કહ્યું કે 7 ઑક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાયલ પર હુમલો થયો ત્યારથી ઈઝરાયેલે ગાઝા પર તબાહી મચાવી છે. જો કે, ઇઝરાયલે નરસંહારના આરોપોને ફગાવી દીધા છે અને કોર્ટને આ આરોપોને રદ કરવા કહ્યું છે.
તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાએ ઈઝરાયલ પર ગાઝા પટ્ટીમાં નરસંહારનો આરોપ લગાવતા સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો. આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે પોતાના નિર્ણયમાં આ આદેશ આપ્યો છે. હકીકતમાં, દક્ષિણ આફ્રિકાએ કોર્ટને વિનંતી કરી હતી કે શક્ય તેટલી વહેલી તકે ઇઝરાયેલી સૈન્ય કાર્યવાહીને સમાપ્ત કરવાનો આદેશ આપે.
ઈઝરાયલ અને હમાસ યુદ્ધ કેવી રીતે શરૂ થયું?
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગયા વર્ષે 7 ઑક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસે ઈઝરાયલ પર પાંચ હજારથી વધુ રોકેટ છોડ્યા હતા. આ પછી ઈઝરાયલે યુદ્ધની જાહેરાત કરી દીધી હતી. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોનાં મોત થઈ ચૂક્યા છે. હમાસનો દાવો છે કે ઈઝરાયલના હુમલામાં 25 હજારથી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. જ્યારે હમાસની કસ્ટડીમાં હજુ પણ સેંકડો ઈઝરાયલનાં નાગરિકો બંધક છે.