• અમેરિકામાં વધુ એક ભારતીય મૂળની હત્યા
  • શુક્રવારે ગોળી મારીને કરવામાં આવી હત્યા
  • આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લાના હતા વ્યક્તિ

અમેરિકાના અલાબામાના ટસ્કલુસામાં શુક્રવારે ભારતીય મૂળના ડૉક્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓની ઓળખ આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લાના ડો. રમેશ બાબુ પેરામસેટ્ટી તરીકે થઈ છે. તે સ્થળ પર મૃત હાલતમાં મળી આવ્યા હતો. 38 વર્ષના અનુભવ ધરાવનારા તેઓ એક પ્રખ્યાત ડૉક્ટર હતા. તેમણે સ્થાનિક ડૉક્ટરોની મદદથી ક્રિમસન નેટવર્કની સ્થાપના કરી હતી.

ક્રિમસન કેર નેટવર્કે આપી માહિતી

ક્રિમસન કેર નેટવર્ક ટીમે ફેસબુક પર પેરામસેટ્ટીના મૃત્યુની પુષ્ટિ કરતું નિવેદન બહાર પાડ્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જેમકે ઘણા લોકો આ સમયે જાણતા હશે. અમને ડૉ. રમેશ પેરામસેટીના નિધનની જાણકારી મળી છે. પેરામસેટી પરિવારે અમને અનુરોધ કર્યો છે કે તેમને આ બાબતે તેમના પરિવારને પ્રાઇવસી આપવામાં આવે. તેમને ઘણો પ્રેમ અને વિશ્વાસ મળ્યો છે. અમે તેમનું સન્માન કરવાનું ચાલુ રાખીશું જે રીતે તેઓ ઇચ્છતા હતા. તમારી સમજણ બદલ આભાર.

અમેરિકામાં રહે છે પરિવાર

અન્ય પોસ્ટમાં ક્રિમસન કેર નેટવર્કે લખ્યું કે કૃપા કરીને પેરામસેટ્ટી અને ક્રિમસન કેર નેટવર્ક પરિવારને આ મુશ્કેલ સમયમાં તમારી પ્રાર્થનામાં યાદ રાખો. અમે તેમના વારસાનું સન્માન કરવાનું ચાલુ રાખીશું. મહત્વનું છે કે પેરામસેટ્ટી તેમની પત્ની, બે પુત્રો અને બે પુત્રીઓ સહિતનો પરિવાર છોડી ગયા છે. તેઓ તમામ અમેરિકામાં સ્થાયી થયા છે.

ડો. રમેશ બાબુ પેરામસેટ્ટી કોણ હતા?

પેરામસેટ્ટીએ 1986માં મેડિકલ કોલેજ ઓફ વિસ્કોન્સિન અને શ્રી વેંકટેશ્વર મેડિકલ કોલેજમાંથી સ્નાતક થયા. તેઓ  ઇમરજન્સી મેડિસિન અને ફેમિલી મેડિસિનમાં સ્પેશિયાલિસ્ટ હતા.આ ઉપરાંત ડિપ્લોમા ઇન ચાઇલ્ડ હેલ્થ (DCH) રિજનલ મેડિકલ સેન્ટર સાથે પણ સંકળાયેલા હતા. ટસ્કલુસા ઉપરાંત, તેમણે અન્ય ચાર સ્થળોએ વિવિધ હોસ્પિટલોમાં કામ કર્યું.

કોવિડ-19 રોગચાળા દરમિયાન પેરામસેટ્ટીએ અસરગ્રસ્ત લોકોને મોટા પાયે આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડી હતી. મળતી માહિતી મુજબ તેમના સામાજિક યોગદાન માટે પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા. દિવંગત ડોક્ટર સામાજિક કાર્યમાં પણ સક્રિય હતા, તેમણે આંધ્ર પ્રદેશ રાજ્યની મેનકુરુ હાઈસ્કૂલને લગભગ 17 હજાર ડોલર અથવા 14.2 લાખનું દાન આપ્યું હતું.


  • Follow us on: