જગત જમાદાર એવા અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી આડે હવે માત્ર પાંચ જ દિવસ બાકી છે ત્યારે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને અચાનક હિંદુ સમુદાય યાદ આવી ગયા અને દિવાળીની શુભકામના પાઠવી અને સોશિયલ મીડિયા ઉપર હિંદુઓને સંદેશ આપ્યો હતો. જ્યારે શુક્રવારે અરબ-અમેરિકી સમુદાયની વચ્ચે પહોંચીને વોટ આપવાની અપીલ કરી હતી.
અમેરિકામાં જેમ-જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ ટ્રમ્પે અમેરિકા સહિત વિશ્વભરના હિન્દુઓની ચિંતા કરવાનું શરૂ કર્યું છે. તેમણે તેમના પ્રતિસ્પર્ધી કમલા હેરિસ અને રાષ્ટ્રપતિ જો બાઈડેન પર વિશ્વભરના હિન્દુઓની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયાની પોસ્ટમાં લખ્યું છે કે, 'હું બાંગ્લાદેશમાં હિંદુઓ, ખ્રિસ્તીઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની નિંદા કરું છું, જેમની પર ટોળાં દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેને લૂંટવામાં આવી હતી.' ટ્રમ્પે કહ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ હોત તો આવું ક્યારેય ન થાત.
બાઈડેન અને હેરિસ પર પ્રહાર કરતા ટ્રમ્પે કહ્યું કે, તેઓ ઈઝરાયલથી લઈને યુક્રેન અને આપણી દક્ષિણ સરહદ સુધી આપત્તિ સાબિત થયા છે, પરંતુ અમે અમેરિકાને ફરી મજબૂત બનાવીશું અને ફરી એકવાર તાકાત દ્વારા શાંતિ લાવીશું.
અમેરિકને હિંદુઓની રક્ષા કરવાનું વચન આપ્યું
અમેરિકન હિંદુઓનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે લખ્યું છે કે, 'અમે અમેરિકન હિંદુઓને ઉગ્રવાદી ડાબેરીઓના ધર્મ વિરોધી એજન્ડાથી બચાવીશું. અમે તમારા સ્વતંત્રતાના અધિકાર માટે લડીશું. અમે ભારત અને મારા મિત્ર વડાપ્રધાન મોદી સાથે અમારી મહાન ભાગીદારીને વધુ મજબૂત કરીશું.
ડોનાલ્ડ ટ્રમ્પ પણ આરબોને મદદ કરવામાં વ્યસ્ત
પોતાના પ્રચારના છેલ્લા તબક્કામાં ડોનાલ્ડ ટ્રમ્પ હિન્દુઓની સાથે સાથે મુસ્લિમોને પણ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ શુક્રવારે એટલે કે, આજે ડિયરબોર્ન, મિશિગનની મુલાકાત લેવાના છે, જ્યાં સૌથી વધુ આરબ વસ્તી રહે છે. આ માહિતી શહેરના એક સ્થાનિક ઉદ્યોગપતિએ આપી છે, જેમણે ટ્રમ્પની યજમાની કરતા પહેલા તેમને લેબનોનમાં શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી.
મેટ્રો ડેટ્રોઇટ એ સૌથી મોટા આરબ-અમેરિકન સમુદાયનું ઘર છે, જેમાં મોટાભાગના ડિયરબોર્ન શહેરમાં રહે છે. જ્યારે રાષ્ટ્રપતિ જો બાઈડેન છેલ્લી ચૂંટણીમાં 3-1થી જીત્યા હતા, ત્યારે આ સમુદાયના મોટાભાગના લોકો ઈઝરાયલ-હમાસ યુદ્ધ સાથે બાઈડેન વહીવટીતંત્રે જે રીતે વ્યવહાર કર્યો છે તેનાથી નિરાશ છે.
આરબ-અમેરિકનો બાઈડેન-હેરિસ વહીવટથી નારાજ!
કમલા હેરિસ આરબ-અમેરિકન સમુદાય સાથે તણાવ ઘટાડવાનો પ્રયાસ કરી રહી હોવા છતાં તેમણે આ શહેરની મુલાકાત લીધી નથી. સ્થાનિક નેતા ઓસામા સિબલાનીના જણાવ્યા અનુસાર, ટ્રમ્પની મુલાકાત-2024ની ચૂંટણી માટે રાષ્ટ્રપતિ પદના કોઈપણ ઉમેદવારની પ્રથમ મુલાકાત હશે. જો કે કમલા હેરિસ શહેરના ડેમોક્રેટિક મેયર અબ્દુલ્લા હમૌદ સાથે વર્ષની શરૂઆતમાં મળી હતી, તે ડિયરબોર્ન શહેરની બહાર થઈ હતી.
આરબ-અમેરિકન કોમ્યુનિટીના સેમ અબ્બાસનું કહેવું છે કે, અમે અહીં રાજનીતિક બનવા માટે નથી આવ્યા અને ન તો અમે અહીં લોકોને કહેવા આવ્યા છીએ કે અમે કોને વોટ આપી રહ્યા છીએ. પરંતુ અમે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા પર ચર્ચા કરવાની આશા રાખીએ છીએ. તેમણે કહ્યું કે અમે અહીં એટલા માટે આવ્યા છીએ કારણ કે અમારા પરિવારોની હત્યા થઈ રહી છે અને અમે ઈચ્છીએ છીએ કે બોમ્બ ધડાકા બંધ થાય, યુદ્ધ બંધ થાય.
આરબ-અમેરિકન ડેમોક્રેટ્સે બંનેનો વિરોધ કર્યો
જો કે, આરબ-અમેરિકન સમુદાયના કેટલાક ડેમોક્રેટિક નેતાઓ કે જેમણે હજુ સુધી કમલા હેરિસને પ્રોત્સાહન અથવા સમર્થન આપ્યું નથી, તેઓ હજુ પણ ટ્રમ્પ વિશે નકારાત્મક વિચારો ધરાવે છે. વાસ્તવમાં, ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન અમેરિકામાં મુસ્લિમોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ અને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાંથી આવતા લોકો પર મુસાફરી પ્રતિબંધની માંગ કરી હતી.
આ સિવાય કેટલાક લોકોનું માનવું છે કે જો ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતે છે તો તેઓ ઈઝરાયલને ગાઝા અને લેબનોન પર હુમલો કરવાની વધુ સ્વતંત્રતા આપી શકે છે, તેથી તેઓ ન તો હેરિસને સમર્થન આપી રહ્યા છે અને ન તો ટ્રમ્પને.
તેમની મુલાકાત પહેલા, ટ્રમ્પે લોકોની માંગને પૂર્ણ કરતા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું કે તેઓ લેબનોનના વિનાશ અને દુઃખને સમાપ્ત કરવાના પક્ષમાં છે. તેમણે મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા લાવવા અને લેબનોનમાં તમામ સમુદાયો સાથે સમાન ભાગીદારી રાખવાનું વચન આપ્યું હતું. ટ્રમ્પની આ પોસ્ટ પછી જ આરબ-અમેરિકન સમુદાય તેમને હોસ્ટ કરવા માટે સંમત થયા હતા.













