- જો બાઈડને ઈઝરાયેલને સૈન્ય સહાય આપવાની કરી હતી જાહેરાત
- સરકારનાં આ વલણને લઈ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારી અસહમત
- અમેરિકાનું વલણ ઈઝરાયેલ-ગાઝા માટે વધુ સમસ્યા ઉભી કરશે તેવી ભીતિ
હમાસના હુમલા બાદ અમેરિકાએ જાહેરાત કરી છે કે તે ઇઝરાયેલને દરેક સંભવ મદદ કરશે. અમેરિકા ઈઝરાયેલને આધુનિક શસ્ત્રો મોકલી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ ઈઝરાયેલને સૈન્ય સહાયતાના મુદ્દે રાજીનામું આપી દીધું છે. એક મીડિયા અહેવાલ અનુસાર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીએ કહ્યું હતું કે ગાઝા યુદ્ધના કારણે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનને સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડશે.
બાઈડનનાં વલણ પર અસહમતી
સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારી ઇઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે યુએસ પ્રમુખ જો બાઈડનના વલણ સાથે સહમત ન હતા. તેમણે બાઈડનનાં વહીવટીતંત્ર પર પણ નિશાન સાધતા કહ્યું છે કે 'અમેરિકા જૂની ભૂલોનું પુનરાવર્તન કરી રહ્યું છે' સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારી જોશ પૉલે જણાવ્યું હતું કે "ઇઝરાયેલની કાર્યવાહી માટે અમેરિકાનું સમર્થન યુદ્ધ લડી રહેલા બંને દેશો માટે વધુ સમસ્યાઓનું કારણ બનશે."
અમેરિકા ઈઝરાયેલને આપી રહ્યું છે સમર્થન
હમાસે ઑક્ટોબર 7ના રોજ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો જેમાં અનેક લોકોના મોત થયા હતા. આ હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન ઈઝરાયેલના સમર્થનમાં આગળ આવ્યા હતા અને તેને દરેક રીતે મદદ કરવાનું વચન આપ્યું હતું.
ઈઝરાયલને આયર્ન ડોમ સપ્લાય કરશે યુએસ
ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓને પણ પસંદગીપૂર્વક નષ્ટ કરી રહ્યું છે. બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ઈઝરાયેલની મુલાકાત લીધી હતી. અહીં યુએસે ઈઝરાયેલને આયર્ન ડોમ સપ્લાય કરવાની વાત કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં યુએસએસ આઈઝનહોવરની સાથે યુએસએસ ફોર્ડ કેરિયર સ્ટ્રાઈક ગ્રૂપને તૈનાત કરવાની પણ વાત કરી હતી. આ સાથે રાષ્ટ્રપતિ જો બાઈડને આ યુદ્ધ દરમિયાન ઈઝરાયેલ પર હુમલો કરવાનું વિચારી રહેલા દેશોને કડક ચેતવણી આપી છે. રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે હમાસ સાથેના યુદ્ધમાં ઈઝરાયેલે એ સુનિશ્ચિત કરવું પડશે કે તેની પાસે જરૂરી હથિયારો છે કે નહીં.