ડોલરિયા દેશમાં ધૂમ કમાણી કરવાના સપનાં લઈને અમેરિકામાં જેમતેમ કરીને ઘુસેલા ભારતીયોને પરત મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોને ચાર્ડર્ડ ફલાઈટથી વતન મોકલવામાં આવ્યા છે. અમેરિકાના હોમલેન્ડ સુરક્ષા વિભાગના જણાવ્યા અનુસાર, આ પગલું ભારત સરકારના સહયોગથી ઉઠાવવામાં આવ્યું છે. અમેરિકાના હોમલેન્ડ સુરક્ષા વિભાગ તરફથી અપાયેલા નિવેદનમાં કહેવાયું કે, જે ભારતીય નાગરિક અમેરિકામાં ગેરકાયદે રહી રહ્યા છે તેઓને પરત મોકલાશે. આવા પ્રવાસીઓ દલાલોના સકંજામાં ન આવે અને તેઓને ખોટી જાણકારી આપતા હોય છે.
આ વિશેષ ફ્લાઇટ 22 ઑક્ટોબરે ભારત મોકલવામાં આવી હતી. DHSએ એમ પણ કહ્યું હતું કે તેઓ યુએસ ઈમિગ્રેશન કાયદાનો કડક અમલ કરી રહ્યા છે અને ગેરકાયદેસર રીતે આવેલા લોકોને કાનૂની માર્ગ અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ વર્ષે જૂનથી, યુએસ-મેક્સિકો સરહદે ગેરકાયદેસર સ્થળાંતર 55 ટકા ઘટ્યું છે. નાણાકીય વર્ષ-2024માં અમેરિકાનું હોમલેન્ડ વિભાગે 160,000થી વધુ લોકોને તેમના દેશોમાં પરત કર્યા છે. આ માટે, 145 દેશોમાં 495થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત પણ સામેલ છે.













