વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે છે. બુધવારે પીએમએ કઝાનમાં બ્રિક્સ સમિટને સંબોધિત કરી હતી. પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ રશિયાના કાઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન મળ્યા હતા. બન્ને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત થઈ હતી. આ બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે, સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવી અમારી પ્રાથમિકતા હોવી જોઈએ. અમે 5 વર્ષ પછી (ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે) મળ્યા છીએ.
જિનપિંગ સાથે મુલાકાત બાદ PMએ કરી પોસ્ટ
જિનપિંગને મળ્યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું હતું કે, કઝાન બ્રિક્સ સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત થઈ છે. ભારત-ચીન સંબંધો બન્ને દેશોના લોકો તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે. પરસ્પર વિશ્વાસ, પરસ્પર સન્માન અને પરસ્પર સંવેદનશીલતા દ્વિપક્ષીય સંબંધોનો પાયાનો પથ્થર હોવો જોઈએ.
પાંચ વર્ષ બાદ ઔપચારિક બેઠક
આ બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારત-ચીન સંબંધોના મહત્વનો સ્વીકાર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે પાંચ વર્ષ બાદ ઔપચારિક બેઠક કરી રહ્યા છીએ. અમે માનીએ છીએ કે ભારત-ચીન સંબંધો માત્ર આપણા લોકો માટે જ નહીં, પરંતુ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને પ્રગતિ માટે પણ ખૂબ મહત્વ ધરાવે છે.
ભારત-ચીન સરહદ પ્રશ્ન પર બન્ને નેતાઓ સહમત થયા
આ બેઠક દરમિયાન બન્ને નેતાઓ સહમત થયા કે ભારત-ચીન સરહદ પ્રશ્ન પર વિશેષ પ્રતિનિધિ સરહદી વિસ્તારોમાં શાંતિ અને સંવાદિતાના સંચાલનની દેખરેખ કરશે. આ મુદ્દાનો ન્યાયી, વ્યાજબી અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ શોધવા માટે અમે ટૂંક સમયમાં મળીશું. બન્ને નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, બે પડોશીઓ અને વિશ્વના બે સૌથી મોટા રાષ્ટ્રો તરીકે ભારત અને ચીન વચ્ચે સ્થિર, અનુમાનિત અને સૌહાર્દપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો પ્રાદેશિક વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ પર સકારાત્મક અસર કરશે. તે મલ્ટિપોલર એશિયા અને મલ્ટિપોલર વર્લ્ડમાં પણ યોગદાન આપશે.
વિદેશ મંત્રાલયનું નિવેદન
વિદેશ મંત્રાલયે પણ મોદી-જિનપિંગની મુલાકાતની માહિતી આપી છે. મંત્રાલયે કહ્યું કે, બેઠકમાં પીએમ મોદીએ મતભેદોને યોગ્ય રીતે ઉકેલવા પર ભાર મૂક્યો છે. બેઠકમાં બન્ને દેશોએ સરહદ પર શાંતિ અને સ્થિરતા પર ભાર મૂક્યો હતો. બન્ને દેશોના વિશેષ પ્રતિનિધિઓ ટૂંક સમયમાં મળશે. વિદેશ મંત્રી સ્તરની વાતચીત થશે.
મોદી અને જિનપિંગ વચ્ચેની આ બેઠક એવા સમયે થઈ છે. જ્યારે ભારત અને ચીન પૂર્વી લદ્દાખમાં એલએસી પર તેમની સેનાઓ દ્વારા પેટ્રોલિંગ કરવા અંગેના કરાર પર સહમત થયા છે. ચાર વર્ષથી ચાલી રહેલી આ મડાગાંઠને ખતમ કરવામાં આને મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ પહેલા 11 ઓક્ટોબર 2019ના રોજ પીએમ મોદી અને જિનપિંગની મુલાકાત થઈ હતી.