કર્ણાટકમાં તાજેતરમાં યોજાયેલી વિધાન પરિષદ (MLC)ની સાત બેઠકોની ચૂંટણીમાં ભાજપ અને જેડીએસ (NDA)ના ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલા ક્રોસ વોટિંગના કારણે દિલ્હી દરબાર ગરમ થયો છે. આ આંતરિક ભંગાણ અને શિસ્તભંગના પગલે ભાજપ હાઈકમાન્ડ ભારે નારાજ હોવાના અહેવાલો મળી રહ્યા છે. હાઈકમાન્ડે આ મામલે કડક વલણ અપનાવતા કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્ર, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા આર. અશોકા અને રાજ્યના પ્રભારી રાધામોહન દાસને 23 તારીખે દિલ્હી બોલાવવામાં આવ્યા છેં


કોંગ્રેસને મળ્યો વધારાની બેઠકનો ફાયદો

સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટકમાં વિધાન પરિષદની સાત બેઠકો માટે મતદાન થયું હતું, જેમાં કુલ 222 ધારાસભ્યોએ વોટિંગ કર્યું હતું. સંખ્યાબળના હિસાબે શાસક પક્ષ કોંગ્રેસને ફાળે ચાર બેઠકો જાય તેમ હતી, પરંતુ વિપક્ષી ખેમામાં થયેલા મોટા ક્રોસ વોટિંગના કારણે ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારની આગેવાનીમાં કોંગ્રેસે પાંચ બેઠકો પર વિજય પતાકા લહેરાવી દીધી છે. જ્યારે ભાજપના ફાળે માત્ર બે બેઠકો જ આવી અને જેડીએસ (JDS)ના ઉમેદવાર ગોવિંદરાજુને હારનો સામનો કરવો પડ્યો છે.

NDAના 11 ધારાસભ્યોએ બળવો કર્યો!

રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, ભાજપ અને જનતા દળ સેક્યુલર (JDS) બંને પક્ષના થઈને કુલ 11 ધારાસભ્યોએ પક્ષના આદેશ વિરુદ્ધ જઈને કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું છે. આ ગંભીર બેદરકારી અને આંતરિક જૂથબંધીને કારણે ભાજપની ટોચની લીડરશિપ નારાજ છે. ભાજપમાંથી અગાઉ સસ્પેન્ડ કરાયેલા ત્રણમાંથી બે ધારાસભ્યો એસ.ટી. સોમશેખર અને શિવરામ હેબ્બારે પણ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. મતદાન બાદ આ બંને નેતાઓએ મીડિયા સમક્ષ બચાવ કરતા જણાવ્યું હતું કે, તેઓએ પોતાના 'અંતરાત્માનો અવાજ' સાંભળીને મતદાન કર્યું છે.

કોંગ્રેસ તરફથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા થિપ્પન્નપ્પા કામકનૂર, પી.વી. મોહન, શિવન્ના બી.એસ., પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બી.કે. હરિપ્રસાદ અને વિનય કાર્તિક પ્રકાશ તમામ વિજેતા બન્યા છે. બીજી તરફ ભાજપના લિંગરાજ પાટીલ અને રઘુ આર. જીત્યા છે. ધારાસભ્યોના આ બળવાખોર વલણ બાદ હવે 23 તારીખે દિલ્હીમાં યોજાનારી હાઈ લેવલ બેઠકમાં કર્ણાટક ભાજપના સંગઠનમાં મોટા ફેરફારો અને જવાબદાર નેતાઓ સામે કડક પગલાં લેવાય તેવી પૂરી સંભાવના છે.

આ પણ વાંચો:Siliguri Corridor: ચીન-બાંગ્લાદેશના મનસૂબા પર પાણી ફેરવશે ભારત,સિલીગુડી કોરિડોર બનશે અભેદ કિલ્લો

  • Follow us on: