- વૈશાખ મહિનાની એકાદશીનું ખાસ મહત્વ
- કૃષ્ણ પક્ષમાં આવે છે અપરા એકાદશી
- જાણો ભગવાન વિષ્ણુને કઈ રીતે કરશો પ્રસન્ન
હિંદુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ કષ્ટ દૂર થાય છે અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્ત થાય છે. દરેક મહિનાની બંને પક્ષની એકાદશીનું પોતાનું આગવું મહત્વ છે. ગુજરાતી પંચાંગ અનુસાર વૈશાખ માસના વદ પક્ષની એકાદશી તિથિને અપરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ વખતે અપરા એકાદશીનું વ્રત 15 મે, સોમવારના રોજ કરવામાં આવશે.

વર્ષની તમામ એકાદશીમાં અપરા એકાદશીનું એક આગવું જ મહત્વ છે. અપરા એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા વિધિ કરવાનું વિધાન છે. સાથે જ વ્રત પણ રાખવામાં આવે છે. આ અત્યંત ફળદાયી એકાદશીને અચલ એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે.
અપરા એકાદશી વ્રત મહિમા
અપરા એકાદશીનું વ્રત પરમ ફળદાયી માનવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત કરનારને વ્રતનું ફળ મૃત્યુ પછી પણ મળે છે. આ વ્રત કરનાર જાતકને મૃત્યુ પછી મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે. તેને સ્વર્ગમાં સ્થાન મળે છે. ભગવાન કૃષ્ણએ સ્વયં આ વ્રતના મહિમા વિશે ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું હતું. આ વ્રત કરનારને અપાર ધનની પ્રાપ્તિ થાય છે તેમજ તેની કિર્તીમાં વૃદ્ધિ થાય છે.

દરેક મનોકામના થશે પુરી
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ આ દિવસે પૂજા અને ઉપવાસની સાથે કેટલાક જ્યોતિષીય ઉપાય કરે છે તો તેની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે ગંગામાં સ્નાનની સાથે દાન વગેરેને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.

અપરા એકાદશી વ્રતની પૂજાવિધિ
અપરા એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠી સ્નાનાદિ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. ઘરના પૂજા સ્થાન સન્મુખ બિરાજમાન થઈ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી સાચા મન અને શ્રદ્ધા સાથે અપરા એકાદશીનું વ્રત કરવાનો સંકલ્પ લો. વ્રતનું અનુષ્ઠાન પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવું જોઈએ. શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. તેમને તુલસી પત્ર, પુષ્પ, ધૂપ અને દીપ જરૂરથી અર્પણ કરવા. ભક્તે આ દિવસે અપરા એકાદશી વ્રતની કથાનું પઠન કરવું જોઈએ. પઠન થઈ શકે તેમ ન હોય તો કથાનું શ્રવણ કરવું જોઈએ. માન્યતા અનુસાર કથા શ્રવણથી પણ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. અંતમાં પ્રભુની આરતી કરી પ્રસાદને ભક્તોમાં વહેંચવો જોઈએ. સમગ્ર દિવસ ઉપવાસ રાખી દ્વાદશીએ વ્રતનું પારણું કરવું. તેમજ પોતાના સામર્થ્ય અનુસાર દાન આપવું.