• દેવપોઢી એકાદશીને પદ્મનાભ એકાદશી પણ કહેવાય છે
  • શ્રીહરિ ક્ષીરસાગરમાં નિવાસ કરે છે
  • ઉપવાસ, એકટાણાં કરવાં અને અમુક વસ્તુઓ ત્યજવી

હિંદુ ધર્મમાં પણ ચાતુર્માસનું ખૂબ જ માહાત્મ્ય છે. પૌરાણિક કથા અનુસાર આ દિવસે શંખાસુર અસુર મૃત્યુ પામ્યો હતો. આ પવિત્ર દિવસે એકાદશીનું માહાત્મ્ય સહુ પ્રથમ બ્રહ્માજીએ નારદજીને જણાવ્યું હતું. એ જ માહાત્મ્ય શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહી સંભળાવીને તેઓનું કલ્યાણ કર્યું હતું. કહેવાય છે કે, સૂર્ય વંશના માંધાતા રાજા ખૂબ સુખી હતા. તેમના રાજ્યમાં આકરો દુકાળ પડ્યો. રાજા તો ખૂબ ચિંતિત થયા. પ્રજા ત્રાહિમામ્ પોકારી રહી હતી. તેમણે અંગીરા ઋષિના માર્ગદર્શનથી આ દેવશયની એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના ફળસ્વરૂપે ફરીથી રાજ્ય હર્યુંભર્યું થઈ ગયું. શ્રીકૃષ્ણના માર્ગદર્શનથી પાંડવોએ પણ આ વ્રત કર્યું અને પીડામુક્ત તથા પાપમુક્ત થયા, સુખી થયા. દેવપોઢી એકાદશીને પદ્મનાભ એકાદશી પણ કહેવાય છે.

દેવશયન પર્વનો પ્રારંભ (ચાતુર્માસ)

કર્ક સંક્રાંતિમાં અષાઢ સુદ-એકાદશીએ શ્રીહરિને પોઢાડવામાં આવે છે. અર્થાત્ શ્રીહરિ વિષ્ણુ ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં જઈને બલિરાજા પાસે નિવાસ કરે છે. ક્ષીરસાગરમાં યોગનિદ્રા કરે છે. આ દિવસે શ્રીહરિને પંચામૃતથી સ્નાન કરાવી શ્વેત વસ્ત્રથી આચ્છાદિત પલંગશય્યા ઉપર સુવાડવામાં આવે છે. ધૂપ, દીપ, ચંદન, વસ્ત્ર, પ્રસાદ, પુષ્પ અર્પણ કરીને તે દિવસે ઉપવાસ કરવાનું માહાત્મ્ય છે.

ચાતુર્માસનું મહાત્મ્ય

અષાઢ સુદ-એકાદશીથી કારતક શુક્લ અગિયારસ સુધી વચન અનુસાર શ્રીહરિ ક્ષીરસાગરમાં નિવાસ કરે છે. કારતક સુદ અગિયારસે પુન: વૈકુંઠમાં પધારે છે. શાસ્ત્રના વચન પ્રમાણે ચાતુર્માસમાં યજ્ઞોપવીત, વિવાહ, દીક્ષાગ્રહણ, ગૃહપ્રવેશ, વિવાહ જેવાં શુભ કર્મો વર્જ્ય ગણ્યાં છે, કારણ કે પૃથ્વીલોક ઉપર શ્રીહરિની કમી જણાય છે, જેના કારણે સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર તમામ તેજહીન બને છે. માટે શુભ કાર્ય વર્જ્ય ગણ્યાં છે.

વૈજ્ઞાનિક દૃષ્ટિએ મહાત્મ્ય

વૈજ્ઞાનિક દૃષ્ટિએ શરીરમાં પિત્ત-કફની બીમારી જોર કરે છે. આ સમયમાં સર્વત્ર ચોમાસું હોવાથી જીવજંતુનો ઉપદ્રવ ખૂબ હોય છે. જેના કારણે તન-મન બંને બીમાર પડે છે. તન-મન બંનેને સ્વસ્થ રાખવા માટે ઋષિમુનિઓએ ઉપવાસ, એકટાણાં કરવાં અને અમુક વસ્તુઓ ત્યજવા ઉપર ભાર મૂક્યો. ખાસ ઓછામાં ઓછું ભોજન ને વધુમાં વધુ ભજન કરવું. મનને તંદુરસ્ત રાખવા નિત્ય પ્રભુનું નામસ્મરણ, રામાયણ, શ્રીમદ્ ભગવદ્ ગીતા, સુંદરકાંડ, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનું પઠન ચાતુર્માસ દરમિયાન કરવું. 

  • Follow us on: