- ભોલેનાથની આરાધના સાથે ત્રણ મહત્ત્વના પર્વને લઇ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ
- શ્રાવણના પ્રથમ સોમવારે નાગપંચમીનો સંયોગ, પછી છઠ અને સાતમની ઉજવણી
- શિવાલયોમાં નાગદેવની પૂજા થશે, સાતમના દિવસે ટાઢું આરોગવાની પરંપરા
ભગવાન શિવની આરાધનાના પવિત્ર અવસર એવા શ્રાવણ માસના આરંભ સાથે જ શહેરના શિવાલયોમાં ભક્તોની ભીડ ઊમટી રહી છે. એવામાં હવે શ્રાવણ માસના પ્રથમ સોમવારે નાગપંચમીનો સંયોગ હોઇ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ બેવડાઇ ગયો છે. 21 ઓગસ્ટના સોમવારે શિવાલયોમાં નાગદેવની પૂજા થશે. ત્યારબાદ રાંધણછઠના દિવસે ભોજન બનાવી પરંપરા પ્રમાણે સાતમના દિવસે શીતળામાતાને પ્રસાદી ચઢાવ્યા બાદ ટાઢું ભોજન આરોગવામાં આવશે.
શ્રાવણ માસ નિમિત્તે નાગપંચમી પર્વ સાથે પર્વોની વણઝાર શરૂ થાય છે.
શ્રાવણ માસમાં પંચમી, છઠ અને સાતમ તિથિ પ્રમાણે બે વખત આવે છે. તેમાં પરંપરા પ્રમાણે નાગપંચમી, રાંધણછઠ અને શીતળાસાતમ પર્વની ઉજવણી કરવામાં આવે છે. શ્રાવણ માસમાં સોમવારનું અનેરું મહત્ત્વ આંકવામાં આવે છે અને તેમાં પણ આ વર્ષે પ્રથમ સોમવારે જ નાગપંચમી પર્વ હોઇ શિવાલયોમાં નાગપૂજાની વિશેષ તૈયારી કરાય છે.
ચિત્રા નક્ષત્ર અને શુભ યોગમાં નાગપંચમી પર્વની ઉજવણી થશે. શિવ મુષ્ટિ ચોખા, ઋગવેદી-યજુર્વેદી શ્રાવણી, નેમિનાથ જયંતીની ઉજવણી થશે. ત્રણ વર્ષ પછી શ્રાવણ માસમાં સોમવારે નાગપંચમી પર્વ ઉજવાશે. અગ્રવાલ, કાયસ્થ, બ્રાહ્મણ સહિતના અનેક સમાજમાં નાગપંચમી પર્વની વિશેષરૂપે ઉજવણી કરવામાં આવે છે. મંદિરોમાં નાગદેવતા મૂકવામાં આવે છે અને તેની વિધિપૂર્વક પૂજા-અર્ચના થાય છે. નાગપંચમીએ નાગ દેવતાની પૂજા કરવાથી કાલસર્પ દોષ દૂર થતો હોવાનું પણ માનવામાં આવે છે.