- શાસ્ત્રો અનુસાર શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા ઘરમાં કરવી ખુબજ શુભ
- મૂર્તીની પ્રાણપ્રતિષ્ઠા કરવી ખુબજ જરૂરી છે
- લડ્ડુ ગોપાલની પધરામણી કરવી હોય તો તેના નિયમોનુ પાલન જરૂરી છે
જન્માષ્ટમી એટલે શ્રી કૃષ્ણ જન્મોત્સવનો પર્વ. શાસ્ત્રો અનુસાર આજથી 5251 વર્ષ પહેલા દ્વાપર યુગમાં રોહિણી નક્ષત્રમાં રાત્રે 12 કલાકે ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો આતુરતાથી આ પર્વની રાહ જોતા હોય છે ઘરે ઘરે નંદ ઘેર આનંદ ભયોના નાદ ગુંજી ઉઠશે. ભક્તો શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થશે. દેશભરમાં કૃષ્ણજન્મોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા ઘરમાં કરવી ખુબજ શુભ
શાસ્ત્રો અનુસાર શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા ઘરમાં કરવી ખુબજ શુભ માનવામાં આવે છે. લાલગોપાલની પુજા કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે. જીવનમાં તમામ સુખ આવે છે. કાન્હાજીની સેવા કરવા માટે ઘરમાં લાલાજીને બાળકની જેમ લાડ લડાવવામાં આવે છે.
લડ્ડુ ગોપાલને બીરાજમાન કરવાની વિધિ
માર્કેટમાંથી લાવેલ લડ્ડુ ગોપાલને પુષ્ટાવવા ખુબજ જરૂરી છે. મૂર્તીની પ્રાણપ્રતિષ્ઠા કરવી ખુબજ જરૂરી છે. આ માટે મોટા પાત્રમાં લડ્ડુ ગોપાલને રાખી તેમા તુલસી પધરાવી પાણીથી સ્નાન કરાવો. આ જળમાં કેસર, ચંદન જરૂર ભેળવો. સ્નાન કરાવ્યા પછી સ્વચ્છ કપડાથી સાફ કરીલો. જન્માષ્ટમીએ લાલ કે કસરી વસ્ત્રો પહેરાવો, ગોપાલજીને મુકુટ પહેરાવો. મુકુટમાં મોરપંખ લગાવો. કાનોમાં કુંડળ પહેરાવો. ગળામાં મોતીની માળા પહેરાવા. હાથમાં બાજુબંધ પહેરાવો. કમરમાં કમરબંધ પહેરાવો પગમાં પાયલ પહેરાવો.
વસ્ત્ર શૃંગાર કર્યા પછી પીળા ચંદનનો લેપ કરો
વસ્ત્ર શૃંગાર કર્યા પછી પીળા ચંદનનો લેપ કરો. ચંદન મિશ્રિત તિલક લગાવો. તાજા ફળ-ફૂલ અર્પણ કરો. પારણામાં બેસાડો. દૂધ, ફળ, પંજરી અને માખણ-મિસરીનો ભોગ લગાવો. ધીનો દીપ પ્રગટાવો, અગરબતી કરી આરતી કરો. શંખ વગાડો, શ્રી કૃષ્ણ મંત્રનો જાપ કરો. કૃષ્ણ ચાલીસાનો પાઠ કરોઅંતે આરતી કરો. ઓવારણા લો. ભૂલ બદલ ક્ષમા પ્રાર્થના કરો.
લડ્ડુ ગોપાલની પૂજાનો નિયમ
તમારે ઘરે લડ્ડુ ગોપાલની પધરામણી કરવી હોય તો તેના નિયમોનુ પાલન જરૂરી છે. રોજ તમારે લડ્ડપ ગોપાલને સ્નાન કરાવી વસ્ત્ર પહેરાવી શૃંગાર કરી ભોગ લગાવવો પડે છે. તેમનુ રૂપ મનને મોહે તેવુ છે રોજ નજર ઉતારો. દિવસમાં ચાર વખત ભોગ લગાવો. માખણ-મીસરી ખીર, હલવાનો પ્રસાદ ધરાવો. આરતી કરવાનુ ન ભૂલશો.
લડ્ડુ ગોપાલને એકલા ન છોડવા
જો તમે ઘરેથી બહાર જતા હો તો પૂજા કોઇ બીજાને સોંપીને જવી કેમકે એક વકત પૂજા લીધી હોય તો પૂજા ક્યારેય અટકવી ન જોઇએ. રાત્રે સુવડાવીને જ સુવાનું રાખો. મચ્છરદાની ઓઢાડીને લાલાને સુવડાવો. એક બાળકને જેટલી કાળજી અને લાડથી માતા પોતાના બાળકને રાખે એ રીતે લાલાજીને ઘરમાં ભાવ સાથે રાખો તમારી પૂજા જરૂર પૂર્ણ થશે.