- આગામી 16 દિવસ સુધી પિતૃતર્પણ, પિંડદાન સહિતની ધાર્મિક ક્રિયાનો દૌર
- શુક્રવારે પ્રથમ દિવસે એકમનું શ્રાદ્ધ રહેશે
- 14 ઓક્ટોબરના રોજ સર્વપિતૃ અમાસ સાથે શ્રાદ્ધ પક્ષની પૂર્ણાહુતિ
પિતૃ પક્ષ આજથી શરૂ થયો છે, જે 14 ઓક્ટોબર સર્વ પિતૃ અમાસ સુધી ચાલશે. પિતૃ દોષને કુંડળીમાંથી દૂર કરવા માટે પિતૃ પક્ષનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસોમાં પિતૃઓને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઘણા ઉપાય કરવામાં આવે છે. ભાદરવા સુદ પૂનમથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઇ છે. દરમિયાન આગામી 16 દિવસ સુધી પિતૃતર્પણ, પિંડદાન સહિતની ધાર્મિક ક્રિયાનો દૌર જોવા મળશે. શુક્રવારે પ્રથમ દિવસે એકમનું શ્રાદ્ધ રહેશે. 14 ઓક્ટોબરના રોજ સર્વપિતૃ અમાસ સાથે શ્રાદ્ધ પક્ષની પૂર્ણાહુતિ થશે.
16 દિવસનો જ શ્રાદ્ધ પક્ષ રહેશે
29 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધીના 16 દિવસના શ્રાદ્ધ પક્ષમાં અલગ અલગ તિથી પ્રમાણે પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરાશે. શાસ્ત્રો મુજબ, પડવાથી અમાસ સુધી પિતૃઓની આત્માની તૃપ્તિ માટે શ્રદ્ધાથી કરેલા પિંડ, જળ, તર્પણ, ભોજનદાનને શ્રાદ્ધ કહેવાય છે. સામાન્યપણે શ્રાદ્ધ પક્ષ 16 દિવસનું હોય છે. જેમાં ચાલુ વર્ષે ચોથની તિથીનો ક્ષય અને સાતમની વૃદ્ધિ તિથી સાથે 16 દિવસનો જ શ્રાદ્ધ પક્ષ રહેશે. તિથીના વિચિત્ર સંયોગ વચ્ચે એકાદશી અને બારસના શ્રાદ્ધ વચ્ચે એક દિવસનો વિરામ રહેશે. શુક્રવારે ભાદરવા સુદ પૂનમ નિમિત્તે એકમનું શ્રાદ્ધ રહેશે. ત્યારબાદ તબક્કાવાર વિવિધ તિથીના શ્રાદ્ધ આવશે. 2 ઓક્ટોબરના રોજ ચોથની તિથીનો ક્ષય છે. તેમ છતાં તબક્કાવાર શ્રાદ્ધને કારણે ચોથનું શ્રાદ્ધ એ જ દિવસે 2 ઓક્ટોબરે રહેશે. ત્યાર બાદ 5 ઓક્ટોબરના રોજ સાતમની વૃદ્ધિ તિથી આવે છે.
29 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધીના શ્રાદ્ધ પર એક નજર
જ્યોતિષીના જણાવ્યા મુજબ, 29 સપ્ટેમ્બરના રોજ ભાદરવી પૂનમ નિમિત્તે એકમનું શ્રાદ્ધ રહેશે. ત્યાર બાદ 30 સપ્ટેમ્બરે બીજનું શ્રાદ્ધ, 1 ઓક્ટોબરના રોજ ત્રીજનું શ્રાદ્ધ, 2 ઓક્ટોબરના રોજ ચોથનું શ્રાદ્ધ, 3 ઓક્ટોબરે પાંચમનું શ્રાદ્ધ, 4 ઓક્ટોબરે છઠ્ઠનું શ્રાદ્ધ, 5 ઓક્ટોબરે સાતમનું શ્રાદ્ધ, 6 ઓક્ટોબરે આઠમનું શ્રાદ્ધ, 7 ઓક્ટોબરે નોમનું શ્રાદ્ધ, 8 ઓક્ટોબરે દશમનું શ્રાદ્ધ, 9 ઓક્ટોબરના રોજ એકાદશીનું શ્રાદ્ધ, 10 ઓક્ટોબરે એક દિવસનો વિરામ રહેશે. 11 ઓક્ટોબરના રોજ બારસનું શ્રાદ્ધ, 12 ઓક્ટોબરે તેરસનું શ્રાદ્ધ, 13 ઓક્ટોબરે અસ્ત્ર-શસ્ત્ર કે અકસ્માતથી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ અને 14 ઓક્ટોબરે સર્વપિતૃ અમાસ વેળાએ ચૌદશ, પૂનમ, અમાસનું શ્રાદ્ધ રહેશે.
પિતૃદોષ લાગે ત્યારે શું થાય?
જે લોકોની કુંડળીમાં પિતૃ દોષ હોય છે તેમને સંતાન સુખ સરળતાથી નથી મળતું. અથવા બાળક ખરાબ સંગતમાં પડે છે. આ લોકોને નોકરી કે બિઝનેસમાં હંમેશા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કામમાં વારંવાર અડચણો આવે છે. ઘરમાં ઝઘડા વધુ થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ નથી. ગરીબી અને દેવું યથાવત છે. ઘણીવાર બીમાર રહે છે અને પુત્રી અથવા પુત્રના લગ્નમાં અવરોધો આવે છે.