- જીવ અને શિવના એકાકાર થવાના પવિત્ર શ્રાવણ માસનો આસ્થાભેર આરંભ
- શ્રાવણના પ્રથમ દિવસથી જ શિવાલયોમાં પૂજન-અર્ચન માટે ભાવિકોની ભીડ જામી
- અધિક માસમાં ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના બાદ હવે ભોલેનાથની ભક્તિના દિવસો આવ્યા
હિન્દુ ધર્મના પવિત્ર માસ શ્રાવણ માસની તા. 17મી ઓગસ્ટને ગુરૂવારથી શુભારંભ થયો છે. શ્રાવણ માસ શિવભક્તિ કરવાનો માસ ગણાય છે. ત્યારે ગુરૂવારે શ્રાવણ માસના પ્રથમ દિવસે ભકતો સવારના સમયે શિવાલયમાં ઉમટી પડયા હતા. શિવજીને અભિષેક કરી પુજા-અર્ચના કરી પોતાના દિવસની શરૂઆત ભકતોએ કરી હતી. અમુક ભકતો આખો મહીનો ઉપવાસ કે એકાસણા કરે છે. શ્રાાવણ માસ નીમીત્તે શહેરના અણઘટનાથ મહાદેવ, હાટકેશ્વર મહાદેવ, કામનાથ મહાદેવ, સીધ્ધનાથ મહાદેવ, અર્ધનારેશ્વર મહાદેવ, રાજેશ્વર મહાદેવ, ક્ષેમશંકર મહાદેવ, અવધેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, સ્ફટીક મહાદેવ, રામેશ્વર મહાદેવ, માઈ મંદીરમાં બીરાજમાન મહાદેવ, કૃષ્ણેશ્વર મહાદેવ સહીતના મહાદેવ મંદીરોમાં શીવજીને શણગાર કરવામાં આવશે અને ધાર્મીક કાર્યક્રમો યોજાશે.
કૃષ્ણ પક્ષમાં એકમનો ક્ષય અને અમાસની વૃદ્ધિતિથિનો સંયોગ, 15 સપ્ટેમ્બરે શ્રાવણ પૂજાની પૂર્ણાહુતિ
હિન્દુ સંવત વર્ષ 2079માં અધિક માસને કારણે અનેક હિન્દુ તહેવારને અસર થઇ છે. અધિક શ્રાવણને કારણે હવે વિવિધ તહેવારો 19થી 20 દિવસ મોડા આવશે. છેલ્લા એક માસથી અધિક-પુરુષોત્તમ માસ સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચનાનો દોર જોવા મળ્યો હતો. જોકે, હવે મઘા નક્ષત્ર અને પરિધ યોગમાં 17 ઓગસ્ટથી નિજ શ્રાવણનો આરંભ થયો છે શિવભક્તોમાં ઉત્સાહ દેખાઇ રહ્યો છે. અધિક માસમાં ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના બાદ હવે ભોલેનાથની ભક્તિ, આરાધનાના દિવસો આવવાના હોઈ શિવમંદિરોમાં પણ તડામાર તૈયારીઓ કરાઇ છે. દરમિયાન આ વર્ષે શ્રાવણમાં કૃષ્ણ પક્ષમાં એકમનો ક્ષય અને અમાસની વૃદ્ધિતિથિનો સંયોગ પણ જોવા મળશે.
17 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી નિજ શ્રાવણની ભક્તિભાવ સાથે ઉજવણી થશે. મઘા નક્ષત્ર અને પરિધ યોગમાં શ્રાવણનો આરંભ થયો છે જેને ખુબજ શુભ માનવામાં આવે છે. તે સાથે જ શિવપાર્થેશ્વર પૂજન પ્રારંભ, શિવપૂજા, બૃહસ્પતિ પૂજન, નક્ત વ્રતારંભ, અગત્સ્યનો ઉદય, ચંદ્રદર્શન જેવા ધાર્મિક અનુષ્ઠાન, સંયોગ રચાશે.
શ્રાવણમાં શુક્લ પક્ષમાં તમામ તિથિઓની નિત્યક્રમ પ્રમાણે રહેશે. જ્યારે કૃષ્ણ પક્ષમાં એકમની ક્ષયતિથિ સાથે જ 1સપ્ટેમ્બરે બીજની તિથિ આવશે. જ્યારે 14 સપ્ટેમ્બરે અમાસની વૃદ્ધિ તિથિ બાદ 15મીએ શિવપાર્થેશ્વર પૂજન સમાપ્ત થવાની સાથે જ શ્રાવણ માસની પૂર્ણાહુતિ થશે. શ્રાવણ માસ વેળા શિવાલયોમાં પંચવક્ર પૂજા, રુદ્રાભિષેક, શિવમાનસ પૂજા (પુષ્પાંજલિ), ષોડષોપચાર પૂજા સહિતની પૂજા-અર્ચના શિવભક્તો દ્વારા કરવામાં આવશે. ચારેય પ્રહરની પૂજા, ષોડષોપચાર પંચવક્ર સહિતની પૂજામાં મોટી સંખ્યામાં યજમાનો હાજર રહેશે.
શ્રાવણ માસની ઉજવણી સાથે જ પર્વો, અનુષ્ઠાનની ભરમાર
હિન્દુ સમુદાયમાં શ્રાવણ માસને તહેવારોનો મહિનો ગણવામાં આવે છે. દરમિયાન 15 સપ્ટેમ્બર સુધી શ્રાવણ માસ વેળાએ દર બે દિવસે એક પર્વ, ધાર્મિક અનુષ્ઠાનનો સંયોગ જોવા મળશે. તેમાં ૧8 ઓગસ્ટે જીવંતિકા વ્રત-મહાલક્ષ્મી પૂજન સ્થાપન, 19મીએ હરિયાળી-ફૂલડા ત્રીજ, 20મીએ વિનાયક ચતુર્થી, 21મીએ નાગપંચમી, 22મીએ રાંધણછઠ, 23મીએ શીતળા સાતમ, 24મીએ દુર્ગાષ્ટમી, 25મીએ બગીચા નોમ, 26મીએ અશ્વસ્થ મારુતિ પૂજન, 27મીએ પવિત્રા-પુત્રદા એકાદશી, 28મીએ સોમપ્રદોષ, 30મીએ રક્ષાબંધન, 31મીએ શ્રાવણી પૂર્ણિમા, 7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી, 10મીએ અજા એકાદશી, આદિત્ય પૂજન, 15મીએ શિવપાર્થેશ્વર પૂજનનું સમાપન થશે.