નવરાત્રિમાં ઘટ સ્થાપન માટે સૌપ્રથમ જ્યાં ઘટ સ્થાપન કરવાનું હોય તે સ્થાનને શુદ્ધ જળથી સાફ કરીને ત્યાં ગંગાજળ છાંટો. પછી અષ્ટદલ બનાવો. તેની ઉપર બાજઠ મૂકો અને લાલ વસ્ત્ર પાથરી દો. તેના ઉપર ક્રમશ: ગણેશજી, માતૃકા, લોકપાલ, નવગ્રહ તથા વરુણદેવને સ્થાન આપો. હવે થોડા ચોખા મૂકીને ગણેશનું સ્મરણ કરતાં આસન ગ્રહણ કરવા આગ્રહ કરો. ત્યારબાદ માતૃકા, લોકપાલ, નવગ્રહ અને વરુણ દેવની સ્થાપના કરો અને સ્થાન ગ્રહણ કરવા માટે આગ્રહ કરો. તેમને સ્નાન કરાવીને વસ્ત્ર (નાડાછડી કે સૂતરની આંટી) અર્પણ કરો. હવે હાથ જોડીને દેવોનું આવાહન કરો. દેવોને સ્થાન આપવા માટે કળશ મૂકવા માટે જવ અને માટી પાથરો.
વરુણ દેવને પ્રણામ કરતાં કળશની સ્થાપના કરો
કળશમાં ગંગાજળ ભરીને `ૐ વરુણાય નમ:।' મંત્રનું ઉચ્ચારણ કરો. ત્યારબાદ આંબાનાં પાન કળશ પર મૂકો અને વરુણ દેવને પ્રણામ કરતાં કળશની સ્થાપના કરો. કળશ પર માતા દુર્ગાની સોના, ચાંદી, તાંબા, પથ્થર અથવા માટીમાંથી બનેલી મૂર્તિની સ્થાપના કરો. મૂર્તિ ન હોય તો તસવીર પણ રાખી શકો. કળશના આગળના ભાગે સ્વસ્તિક બનાવો તથા બંને બાજુ ત્રિશૂળ બનાવો.
નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કરવા
નિત્યકર્મથી પરવારીને પૂજન-સામગ્રી લઈને આસન પર પૂર્વ અથવા ઉત્તરની તરફ મુખ કરીને બેસો તથા આચમન, પ્રાણાયામ, આસનશુદ્ધિ કરીને શાંતિ મંત્રોનો પાઠ કરીને નવરાત્રિની પૂજન-સાધનાનો સંકલ્પ લો. અખંડ દીવો પ્રગટાવવો.
અષ્ટાંગ દ્રવ્ય આપવાં પણ જરૂરી છે.
આસન, પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ગંધ, અક્ષત, પુષ્પ, સૌભાગ્ય, દ્રવ્ય, ધૂપ-દીપ, નૈવેદ્ય, ઋતુફળ, મુખવાસ, નીરાજન, પુષ્પાંજલિ, પ્રદક્ષિણા, નમસ્કાર, પ્રાર્થના, ક્ષમાપના વગેરે ષોડ્શ ઉપચારોથી વિધિપૂર્વક શ્રદ્ધાભાવે એકાગ્ર ચિત્ત થઈને પૂજન કરો. અષ્ટાંગ દ્રવ્ય આપવાં પણ જરૂરી છે. પુષ્પોમાં કમળ, કનેર, ચંપો, માલતી, ગુલાબ તથા ફળોમાં નારિયેળ, દાડમ, નારંગી વગેરે ફળ દેવીને પ્રિય છે. લાલ રંગ દેવીને પ્રિય હોવાથી લાલ પુષ્પ તથા લાલ ફળ અર્પણ કરી શકાય. નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કરવા અને વિધિ-વિધાનપૂર્વક માતાની પૂજા-અર્ચના કરવી અને નવરાત્રિના છેલ્લા દિવસે ઘટનું ઉત્થાપન કરવું.