• 15 ઓક્ટોબરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે
  • નવરાત્રિમાં પૂજન-અર્ચન અને અનુષ્ઠાનથી મનુષ્યનો બેડો પાર થઇ જાય છે
  • જો મૂર્તિ ન હોય તો નવાણ મંત્રયુક્ત યંત્ર સ્થાપવું

હિન્દુ શાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર અને અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગવાયો છે. નવ દિવસ સુધી મા જગદંબાની કુળના રિવાજ અનુસાર જુદી જુદી રીતે ઉપાસનાને આરાધના થાય છે. 15 ઓક્ટોબરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. નવરાત્રિમાં મુખ્યત્વે ત્રણ દેવીની ઉપાસના થાય છે. જગતનાં સર્જનહાર બ્રહ્માણી, સૃષ્ટિનાં પાલનહાર લક્ષ્મી અને સંહારક દેવી સ્વરૂપા એવાં મહાકાલીની. બ્રહ્મા, વિષ્ણુ, મહેશની પ્રવૃત્તિઓ પણ શક્તિને આભારી છે. નવરાત્રિમાં પૂજન-અર્ચન અને અનુષ્ઠાનથી મનુષ્યનો બેડો પાર થઇ જાય છે.

યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા !

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમોનમઃ

 મા જગદંબાની ઉપાસના-આરાધના સમસ્ત ભારતમાં વ્યાપક છે. ભિન્ન-ભિન્ન સ્થાનોમાં પોતપોતાની રુચિ પ્રમાણે, શ્રાદ્ધા પ્રમાણે એનાં સ્વરૂપોની આરાધના થાય છે. મહાશક્તિ, મહામાયા, આદ્યશક્તિનાં સ્વરૂપો અગણિત છે. હિન્દુ શાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર અને અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગવાયો છે.

 ઘટ (કળશ) સ્થાપનઃ

નવરાત્રિમાં ઘટ સ્થાપન માટે સૌપ્રથમ મંગલકારી શુભ મુહૂર્તમાં ઘરના દેવાલય કે અનુકૂળતા મુજબ જ્યાં ઘટ સ્થાપન કરવાનું છે તે જગ્યાએ ગંગાજળ છાંટી સફેદ માટી અને ગાયના ગોબરથી લીંપણ કરીને પવિત્ર કરો. તે જગ્યા પર બાજઠ ઢાળી બાજઠને લાલ કે લીલા રેશમી વસ્ત્રથી (સ્થાપનથી) આચ્છાદિત કરી અક્ષત એટલે આખા ચોખા, ખંડિત ન હોય તે પાથરી તેના સ્થાપન ઉપર અષ્ટદલ કરી તેમાં કુળદેવી કે મા જગદંબાની મૂર્તિને પંચામૃત સ્નાન કરાવીને સ્થાપિત કરાય છે.

જો મૂર્તિ ન હોય તો નવાણ મંત્રયુક્ત યંત્ર સ્થાપવું અને પીઠ પૂજા માટે પાંચ પલ્લવથી યુક્ત કરેલા જળ ભરેલા કળશ ઘડાનું પૂજન-અર્ચન કરીને સ્થાપન કરવું. એક શ્રીફ્ળ છોલ્યા વગરનું લાલ કોરા વસ્ત્રમાં લપેટીને માતાજીની જમણી બાજુએ રાખવું. ઘડામાં પૂજનઅર્થે કંકુ, ચોખા, ફૂલ, અબીલ-ગુલાલ, સિંદૂર, હળદર, સોપારી, લીલી ધરો અને સવા રૂપિયો પધરાવી અખિલ બ્રહ્માંડમાં જડ અને ચેતન સર્વ પરિબળો સમન્વિત સમગ્ર વિશ્વ આપણું કલ્યાણ કરે, રક્ષણ કરે તે માટે બે હાથ જોડીને કુળદેવીનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી.

જવારા રોપણઃ

માતાજીના ભક્તો સુદ એકમના દિવસે ધન અને ધાન્યની અભિવૃદ્ધિના ભાવ સાથે જવારાઓનું રોપણ કરે છે. માટીના એક મોટા કોડિયામાં કાળી માટી નાખીને નવ ધાન્યને વેરી દો અને તેને માતાજી સમક્ષ મૂકી દો. ત્યારબાદ જળ છાંટીને તેની પંચોપચારથી પૂજા કરો તથા રોજ નવે-નવ દિવસ સુધી તેની ઉપર પાણી છાંટીને જતન કરવું. જવારાઓ કે જવ માંગલિક અને વર્ધનશીલ હોય છે. જવારા-કુંભ સહિત માતાજીની મૂર્તિ કે યંત્રની દરરોજ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યથાશક્તિ પૂજા કરી નવ દિવસ સુધી ચંડીપાઠ કરવો.

અખંડ દીપસાધનાઃ

નવરાત્રિમાં અખંડ દીપસાધનાનું ખૂબ મહત્ત્વ છે. દીવાને માતાજીની આગળ શુદ્ધ ઘી અથવા તેલના મોટા દીવડામાં રૂની મોટી વાટ બનાવીને સુરક્ષિત સ્થાને મૂકી દો. પછી તેનું પંચોપચાર પૂજન કરો. અખંડ દીપસાધના ઐશ્વર્ય, સુખ, સમૃદ્ધિ અને અખંડિતતાનું પ્રતીક છે. નવરાત્રિ આત્મસંયમ અને શક્તિસંયમનું પર્વ બની રહે છે.

નવરાત્રિપૂજન-આરાધનાઃ

નવરાત્રિનું પૂજન કરતાં પહેલાં સાધકે ગણપતિજીનું સ્મરણ કરીને પૂજાનો આરંભ કરવો. જવારા, કુંભ સહિત માતાજીની મૂર્તિ કે યંત્રની દરરોજ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્વયં અથવા અધિકારી આચાર્ય પાસે યથાશક્તિ પૂજા કરવી-કરાવવી, પ્રતિદિન ચંડીપાઠ કરવો-કરાવવો. નવ દિવસ સુધી શક્ય હોય તો રોજ એક કુમારિકાનું પૂજન કરી, દરરોજ એક કુમારિકા વધારતા જઇ નવદુર્ગાના પ્રતીકસમાન નવ કુમારિકાઓને પૂજી દરેકને વસ્ત્ર, અલંકાર, દક્ષિણા અર્પણ કરી ભોજનથી તૃપ્ત પ્રસન્ન કરવી અને શ્રોય માટે પ્રાર્થના કરવી.

અંતિમ દિવસે જપાત્મક, હોમાત્મક, 'નવચંડી યજ્ઞ' કે સંક્ષિપ્તમાં દુર્ગાહવન જો શક્ય હોય તો કરવા. અંતિમ ચરણમાં માતાજીનું વિધિવત્ પૂજન-અર્ચન કરી થાળ, આરતી સહિત મંત્ર પુષ્પાંજલિ, ક્ષમાપના અને પ્રદક્ષિણા કરી શુભ મુહૂર્તમાં સકલ મંગલકાર્યનું સમાપન કરવું.


  • Follow us on: