• આ વર્ષે તિથિની વધઘટ વગર નવ દિવસની પૂર્ણ નવરાત્રિ
  • 15થી 23 ઓક્ટોબર સુધી નોરતાની રમઝટ ચાલશે
  • ગરબે ઘુમવા ખેલૈયાઓમાં અનેરો થનગનાટ

ગણેશોત્સવની રંગારંગ ઉજવણી બાદ હવે આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિની કાગડોળે રાહ જોવાઇ રહી છે. ગણેશોત્સવની રોનકને જોતાં આ વર્ષે નવરાત્રિ પર્વ વેળાએ કોમર્શિયલ, મેગા આયોજનો અને શેરી-સોસાયટી ગરબાની સંખ્યામાં દોઢ ગણો વધારો થવાનો મત ઇવેન્ટ ઓર્ગેનાઇઝર આપી રહ્યા છે. દરમિયાન ધાર્મિક રીતે ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ યોગમાં શારદીય નવરાત્રિનો આરંભ થવાનો હોય આદ્યશક્તિના મંદિરોમાં પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તિથીના ક્ષય કે વૃદ્ધિ વિના 9 દિવસ અને 9 તિથિ સાથે આ વર્ષે પૂર્ણ નવરાત્રિની ઉજવણી થશે. 15થી 23 ઓક્ટોબર સુધી નોરતાની રમઝટ ચાલવાની હોય ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

રવિવારથી નવરાત્રિ પર્વનો રંગારંગ આરંભ થશે

ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાની ઝલક આપતા નવરાત્રિ પર્વને લઇને બજારમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ છેલ્લા ચાર મહિનાથી ગરબા ક્લાસિસમાં પ્રેક્ટિસ કરી દોઢીયા, દાંડિયારાસ, ગરબાની રમઝટ બોલાવવા માટે થનગની રહ્યા છે. બીજીબાજુએ મંદિરોમાં પણ નવરાત્રિની મહાપર્વ તરીકે ઉજવણી કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

નવરાત્રિની મહાપર્વ તરીકે ઉજવણી

દરમિયાન રવિવારે 15 ઓક્ટોબરના રોજ આસો સુદ એકમ નિમિત્તે ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ યોગમાં નવરાત્રિ પર્વનો આરંભ થશે .શનિવારે 14 ઓક્ટોબરે રાત્રિએ 11.25થી રવિવારે રાત્રિએ 12.33 વાગ્યા સુધી પડવાની તિથિ છે. રવિવારે સાંજે 6.13 વાગ્યા સુધી ચિત્રા અને પછી સ્વાતિ નક્ષત્ર છે. ચિત્રા અને સ્વાતિ બન્ને નક્ષત્રો શુભ ગણવામાં આવે છે. જ્યારે સવારે 10.24 વાગ્યા સુધી વૈધૃતિ યોગ છે. બપોરે 12.03 વાગ્યા સુધી કિસ્તુઘ્ન કરણ અને પછી બાલવ કરણ છે.

સવારે ઘટસ્થાપન મૂહર્ત, બપોરે અભિજીત મુહૂર્ત રહેશે

જ્યોતિષીના મતે 15 ઓક્ટોબરે સવારે ઘટસ્થાપન સાથે નવરાત્રિ પર્વનો વિધિવત આરંભ થશે. બપોરે 12.10થી 12.56 સુધી શુભ ગણાતું અભિજીત મુહૂર્ત રહેશે. આ દિવસે અંકુરારોપણ, મહારાજા અગ્રસેન જયંતી રહેશે. આ વર્ષે નવરાત્રિમાં કોઇ ક્ષય કે વૃદ્ધિ તિથિનો સંયોગ રહેશે નહીં. વળી, નવરાત્રિ વેળાએ ક્રમશ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, સ્કંદમાતા, કુષ્માંડા, ચંદ્રઘંટા, કાત્યાયની દેવી, મહાગૌરી દેવી, કાલરાત્રિ દેવી અને સિદ્ધિદાત્રી દેવી એમ આદ્યશક્તિના વિવિધ સ્વરૂપની પૂજા-આરતી કરાશે. નવરાત્રિના વિશેષ દિવસોમાં 22 ઓક્ટોબરે દુર્ગાષ્ટમી, મહાઅષ્ટમી, હવનાષ્ટમીની અને 23 ઓક્ટોબરે મહાનવમી સાથે નવરાત્રિનું સમાપન થશે.

14મીએ સર્વપિતૃ અમાસ સાથે શ્રાાદ્ધ પક્ષનું સમાપન થશે

હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મય ધરાવતુ શ્રાાદ્ધ પક્ષ હાલમાં ચાલી રહ્યું છે. જેમાં 14 ઓક્ટોબરના રોજ શનિવારે સર્વપિતૃ અને શનિવારી અમાસ છે. જ્યોતિષીના જણાવ્યા મુજબ, દરેક મહિનામાં આવતી અમાવસ્યા તિથિનું હિન્દુ ધર્મમાં મહત્વ છે. પરંતુ પિતૃપક્ષ દરમિયાન આવતી સર્વપિતૃ અમાસનું વિશેષ મહત્વ આંકવામાં આવે છે. કારણ કે, આ તિથિએ તમામ પૂર્વજોને શ્રાદ્ધ, પિંડદાન આપવામાં આવે છે. શનિવારે 14 ઓક્ટોબરે આવતી સર્વપિતૃ અમાસ વેળાએ પિંડદાન, સેવાકાર્ય, દાન માટે સવારે 6.44થી રાત્રિએ 11.25 સુધી સારું મુહૂર્ત છે. શનિવારે સર્વપિતૃ અમાસ બાદ રવિવારથી નવરાત્રિ પર્વનો રંગારંગ આરંભ થશે.


  • Follow us on: