• નવરાત્રિના નવ દિવસ દરમિયાન કુમારિકા પૂજનથી દુ:ખ, દરિદ્રતા અને શત્રુઓનો નાશ થાય
  • ધન, આયુષ્ય અને બળમાં વૃદ્ધિ થાય
  • નવરાત્રિમાં આઠમ અને નોમનો દિવસ કુમારિકા પૂજન માટે શ્રેષ્ઠ હોય છે

શારદીય નવરાત્રિનો 15 ઓક્ટોબર રવિવારથી પ્રારંભ થઇ રહ્યો છે. આ નવરાત્રિએ નવદુર્ગાને ભાવથી ભજી ભક્તિ સાથે કરો માતા શક્તિની આરાધના. માતા દુર્ગા જીવનમાં આવતા તમામ કષ્ટ હરશે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન કુમારિકા પૂજનથી દુ:ખ, દરિદ્રતા અને શત્રુઓનો નાશ થાય છે. ધન, આયુષ્ય અને બળમાં વૃદ્ધિ થાય છે. નવરાત્રિમાં આઠમ અને નોમનો દિવસ કુમારિકા પૂજન માટે શ્રેષ્ઠ હોય છે, પણ નવરાત્રિના નવ દિવસ સુધી કન્યાપૂજન કરવાથી માતા દુર્ગાની વિશેષ કૃપા થાય છે.

નવરાત્રિમાં આ રીતે કરો કુમારિકા પૂજન

કુમારિકા પૂજન માટે વિવિધ પ્રકારનાં ફળ, નારિયેળ, કેળાં, દાડમ, નારંગી વગેરે ફળ સાથે ભક્તિભાવપૂર્વક અન્નદાન કરો. દરરોજ જમીન પર શયન કરો. ત્યારબાદ કુમારી કન્યાઓનું પૂજન કરો. તેમને વસ્ત્ર, શણગારની વસ્તુઓ વગેરે ભેટ આપો અને પ્રેમથી ભોજન કરાવો. દરરોજ એક કન્યાનું પૂજન કરો અને દરરોજ એક-એક કન્યાને વધારતા જાઓ અથવા દરરોજ નવા કન્યાઓનું પૂજન કરો. યથાશક્તિ માતા ભગવતીની આરાધના પણ કરો.

નવ કન્યાનું સ્વરૂપ અને પૂજનથી થતા લાભ

બે વર્ષની કન્યાને કુમારી કહેવામાં આવે છે. તેમનું પૂજન કરવાથી દુ:ખ તથા દરિદ્રતા દૂર થાય છે. શત્રુનો નાશ થાય છે. ધન, આયુષ્ય તથા બળમાં વૃદ્ધિ થાય છે.

ત્રણ વર્ષની કન્યાઓને `ત્રિમૂર્તિ કુમારી' કહેવામાં આવે છે. તેમના પૂજનથી ધન, ધાન્ય, પુત્ર, પૌત્ર, વિદ્યા, બુદ્ધિની પ્રાપ્તિ થાય છે.

ચાર વર્ષની કન્યાઓને `કલ્યાણી કુમારી' કહે છે. તેમના પૂજનથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. વિદ્યા, વિજય, સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે.

પાંચ વર્ષની કન્યાઓને `રોહિણી કુમારી' કહે છે. તેમના પૂજનથી રોગોનો નાશ થાય છે અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.

છ વર્ષની કન્યાઓને `માતા કાલિકા'નું રૂપ માનવામાં આવે છે. તેમના પૂજન-આરાધનાથી શત્રુઓનો નાશ થાય છે.

સાત વર્ષની કન્યાને `માતા ચંડિકા'નું રૂપ માનીને પૂજવામાં આવે છે. તેનાથી સાધકને ધન-ધાન્ય, સુખ-શાંતિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.

આઠ-વર્ષની કન્યાને `શાંભવી કુમારી'ના રૂપમાં પૂજવામાં આવે છે. તેમના પૂજનથી આર્થિક સંકટ ટળે છે, વાદવિવાદમાં વિજય મળે છે. તેમનું પૂજન સમસ્ત સિદ્ધિઓ આપનારું હોય છે.

નવ વર્ષની કન્યાને `દુર્ગામાતા'નું રૂપ માનવામાં આવે છે. તેમના પૂજનથી કઠોરમાં કઠોર કાર્ય સિદ્ધ થાય છે, શત્રુઓનો નાશ થાય છે તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે.

દસ વર્ષની કન્યાને `સુભદ્રા'ના નામથી ઓળખવામાં આવે છે. તેમના પૂજનથી મનોકામનાઓ પૂરી થાય છે. દરેક કાર્યમાં સફળતા મળે છે. અશુભતા દૂર થઈને કલ્યાણ થાય છે.

કેવી રીતે કરશો પૂજન?

કન્યાઓમાં ઘરમાં પ્રવેશે કે તરત જ તેમના પગ દૂધ-પાણીથી ધોવા. તેમના પગમાં અક્ષત, કંકુ તથા પુષ્પ અર્પણ કરવાં. કન્યાઓને બેસવા માટે આસન આપવું અને ભોજનની થાળી પીરસો. તેમાં હલવો, પૂરી, ખીર, ચણા વગેરે પીરસો. હવે પોતાની પૂજાની થાળીમાં થોડી વાનગીઓ મૂકો અને વચ્ચોવચ લોટમાંથી બનાવેલો શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. કન્યાઓની વારાફરતી આરતી ઉતારો. આરતી ઉતારી લીધા બાદ બધી જ કન્યાને આરતીની થાળીમાં પીરસેલો પ્રસાદ ખવડાવો અને ભોજન કરાવો. ભોજન પછી કન્યાઓને યોગ્ય ભેટ આપો. માતાજીની જય બોલાવીને બધી જ કન્યાઓના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લો.

દુર્ગા સપ્તશતીનો પાઠ

દુર્ગા સપ્તશતીનો પાઠ નવરાત્રિ દરમિયાન સાધકે કરવો જરૂર જોઈએ. તમે માત્ર કવચ વગેરેનો પાઠ કરીને વ્રત રાખવા માંગતા હો તો માતાનાં નવ સ્વરૂપોનું ધ્યાન કરવું, કવચ અને સ્તોત્રનો પાઠ પણ કરી શકો છો. ત્યારબાદ આરતી કરો. દુર્ગાસપ્તશતીનો સંપૂર્ણ પાઠ એક જ દિવસમાં ન કરવા ઈચ્છતા હો તો દુર્ગા સપ્તશતીમાં આપેલા દુર્ગા સપ્તશ્લોકીનો 11 વાર પાઠ કરીને છેલ્લા દિવસે 108 આહુતિઓ આપીને પણ માતાના આશીર્વાદ મેળવી શકો છો.


  • Follow us on: