• કન્યા રાશિમાં થનારું કંકણાકૃતિ સૂર્યગ્રહણ દેખાવાનું ન હોય વેધ પાળવાનો નથી
  • 28મીએ રાત્રીએ મેષ રાશિમાં થનારું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે
  • હિન્દુ સંવતનું ચોથું એવું કંકણાકૃતિ સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરના શનિવારે થશે

વર્ષેદહાડે બ્રહ્માંડમાં બનતી ગ્રહણની ખગોળીય ઘટનાને આધારે સારા-નરસા પરિણામોનો વરતારો કાઢવાની સાથે જ ધાર્મિક અનુષ્ઠાનો, ક્રિયાઓ અસરગ્રસ્ત થાય છે. જે અંતર્ગત હવે ઓક્ટોબર માસમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ અને ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો સંયોગ રચાશે. જે પૈકી 14 ઓક્ટોબરના શનિવારે કન્યા રાશિમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ થશે. આ સૂર્યગ્રહણ હિન્દુ સંવત 2079નું છેલ્લું સૂર્યગ્રહણ હોવાની સાથે જ ભારતમાં દેખાશે નહીં. જેને પગલે કોઇ વેધ ન પાળવાનો મત જ્યોતિષી આપી રહ્યા છે.

સંવત 2079નું પહેલું ખગ્રાસ ચંદ્રગ્રહણ 8 નવેમ્બર-2022ના રોજ થયુ હતુ

હિન્દુ સંવત 2079માં પાંચ ગ્રહણનો સંયોગ જોવા મળ્યો છે. તે પૈકી માત્ર બે જ ગ્રહણ ભારતમાં દેખાવાની ઘટના નોંધાશે. જ્યોતિષીના જણાવ્યા મુજબ, સંવત 2079નું પહેલું ખગ્રાસ ચંદ્રગ્રહણ 8 નવેમ્બર-2022ના રોજ થયુ હતુ અને તે ભારતમાં દેખાયુ હતુ. ત્યારબાદ 20 એપ્રિલના રોજ ખગ્રાસ સૂર્યગ્રહણ થવાની સાથે તે ભારતમાં દેખાયુ ન હતુ. ત્યાર બાદ 5 મેના રોજ શુક્રવારના રોજ તુલા રાશિમાં છાયા ચંદ્રગ્રહણ થયુ હતુ. તે છાયાગ્રહણ હોય ધાર્મિક રીતે વેધ ન પાળવાનો મત જ્યોતિષીઓએ આપ્યો હતો.

ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોય પાળવાનું નથી

જ્યારે હવે હિન્દુ સંવતનું ચોથું એવું કંકણાકૃતિ સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરના શનિવારે થશે. આ ગ્રહણ કન્યા રાશિમાં હોવાની સાથે જ ભારતમાં દેખાવાનું ન હોય પાળવાનું નથી. જ્યારે અંતિમ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરની રાત્રિએ થશે અને તે ભારતમાં દેખાશે. ત્યારબાદ હિન્દુ સંવત 2080માં ગ્રહણની ખગોળીય ઘટના નોંધાશે.

14 અને 28 ઓક્ટોબરના ગ્રહણ પર એક નજર

કંકણાકૃતિ સૂર્યગ્રહણ (14 ઓક્ટોબર)

શનિવારે કન્યા રાશિમાં, ચિત્રા નક્ષત્રમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ઉ.મધ્ય, દક્ષિણ અમેરિકામાં દેખાશે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોય ધાર્મિક રીતે વેધ પાળવાનો નથી. ગ્રહણ સ્પર્શ રાત્રિએ 08.34 વાગ્યે થશે. ગ્રહણ મધ્ય રાત્રિએ 11.29 વાગ્યે અને ગ્રહણ મોક્ષ મધરાત્રિએ 02.25 વાગ્યે થશે.

ખંડગ્રાસ ચંદ્રગ્રહણ (28 ઓક્ટોબર)

શનિવારે રાત્રિએ મેષ રાશિમાં, અશ્વિની નક્ષત્રમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે. આ ગ્રહણ યુરોપ, આફ્રિકા, પૂર્વ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં દેખાશે. ગ્રહણ સ્પર્શ રાત્રિએ 11.32 વાગ્યે, ગ્રહણ મધ્ય 01.44 વાગ્યે અને ગ્રહણ મોક્ષ પરોઢીએ 03.56 વાગ્યે થશે.


  • Follow us on: