- દીપોત્સવી પર્વ નિમિત્તે રાજ્યભરમાં બજારોમાં ભીડ ઉભરાવા માંડી
- 4 નવેમ્બરના શનિવારે પુષ્ય નક્ષત્ર સાથે જ દિપોત્સવીના શુભ ખરીદીના દિવસોનો આરંભ
- 11 નવેમ્બરના રોજ કાળી ચૌદશ, 13મીએ સોમવતી અમાસ બાદ 14મીએ નૂતન વર્ષ
સૌથી મોટા પર્વ અને પર્વોની વણઝાર ગણાતી દિપોત્સવીને લઇને શહેરભરમાં હલચલ દેખાઇ રહી છે. વિવિધ ક્ષેત્રોમાં તેજી સાથે જ ખરીદી બજારમાં ચહેલપહેલથી વિક્રેતાઓમાં ખુશીની લ્હેર ફેલાઇ ગઇ છે. 4 નવેમ્બરના શનિવારે પુષ્ય નક્ષત્ર સાથે જ દિપોત્સવીના શુભ ખરીદીના દિવસોનો આરંભ થશે. જોકે, ચાલુ વર્ષે પણ દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે એક દિવસનો બ્રેક એટલે કે 'ધોકા'નો દિવસ આવતો હોય શહેરીજનોમાં આશ્ચર્યનું મોજું ફળી વળ્યું છે. 11 નવેમ્બરના રોજ કાળી ચૌદશ, 12મીએ દિવાળી, 13મીએ સોમવતી અમાસ બાદ 14મીએ નૂતન વર્ષ અને 15મીએ ભાઇબીજ પર્વ ઉજવાશે.
પ્રદોષ કાલથી નિશિથ કાળ અને સિંહ લગ્નમાં દિવાળી પર્વની ઉજવણી શ્રેષ્ઠ
પ્રદોષ કાલથી નિશિથ કાળ અને સિંહ લગ્નમાં દિવાળી પર્વની ઉજવણી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. 12મીના રવિવારે બપોરે 02.45થી સોમવારે બપોરે 02.57 વાગ્યા સુધી અમાસ છે. તેને જોતાં રાત્રિનો સમય હોય 12મીએ રવિવારે દિવાળી ઉજવાશે. જ્યારે સોમવતી અમાસ 13મીના સોમવારે રહેશે. ત્યાર બાદ 14મીએ નૂતન વર્ષ અને 15મીએ ભાઇબીજ પર્વ રહેશે. 23 નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશી સાથે તુલસી વિવાહનો આરંભ થશે. 27મીએ દેવ દિવાળી સુધી તુલસી વિવાહ સાથે દિવાળી પર્વની ઝાકમઝોળ જોવા મળશે.
સોનુ-ચાંદી-ચોપડા નોંધાવવા કે ખરીદવા શનિવારે પુષ્ય નક્ષત્ર
સામાન્યપણે દર વર્ષે પુષ્ય નક્ષત્ર સાથે જ દિપોત્સવી પર્વની શુભ ખરીદીના દિવસો શરૂ થઇ જાય છે. શનિવારે 4 નવેમ્બરે સવારે 07.58 વાગ્યાથી આખો દિવસ પુષ્ય નક્ષત્ર હોવાથી શુભ ખરીદી થઇ શકશે. સોનું, ચાંદી, ચોપડા નોંધાવવા કે ખરીદવા માટે આ દિવસ શ્રોષ્ઠ ગણાય છે. રવિવારે સવારે 10.30 વાગ્યા સુધી પુષ્ય નક્ષત્રમાં ખરીદી થઇ શકશે રવિવારે જ સવારે 06.54થી 10.30 સુધી રવિપુષ્યામૃત સિદ્ધિયોગ હોય ઉત્તમ સમય ગણાશે.