• પરંપરાગત પ્રસાદ બનાવો ઘરે
  • આ પ્રસાદના ભોગથી ભગવાન થશે પ્રસન્ન
  • પરફેક્ટ માપથી બનશે સરસ મજાનો દૂધપાક

આવતીકાલે રથયાત્રાનો તહેવાર ઉજવાશે. આ દિવસે ભક્તો ભગવાનની એક ઝલક મેળવવા માટે આતુર હોય છે. અનેક ઘરોમાં આ દિવસે ખાસ કરીને દૂધપાક અને માલપુઆનો પ્રસાદ બનાવવામાં આવે છે. જો તમે પણ ઘરે પરંપરાગત દૂધપાક બનાવવા ઈચ્છો છો તો તમે પરફેક્ટ માપ સાથે તેને ઘરે જ બનાવી શકો છો. જો તમે ઓછા સમયમાં ઘરે દૂધપાક બનાવવા ઈચ્છો છો તો તમે તેને કૂકરમાં પણ બનાવી શકો છો. તેનાથી તમારો સમય બચશે. તો કરી લો આવતીકાલ માટેની તૈયારી.

દૂધપાક

સામગ્રી

- 5 લિટર અમૂલ ગોલ્ડ દૂધ

-150 ગ્રામ ચોખા

- 600 ગ્રામ ખાંડ

- 10 નંગ બદામ

- 2 ચમચી ચારોળી

- 10 નંગ એલચીનો ભૂકો

- 1 નંગ જાયફળનો ભૂકો

-10 તાંતણા કેસર

- ઘી

 

રીત

એક વાસણમાં અથવા કૂકરમાં ઘી લગાડી, દૂધ ઊકળવા મૂકવું. ઉભરો આવે અને બરાબર ઉકળે હલાવો. હવે ચોખાને ધોઈને ઘીથી મોઈ લેવા અને દૂધમાં ઉમેરી લેવા. આ પછી તેને સતત હલાવ્યા કરવું. ચોખા બરાબર બફાઈ જાય અને તૂટવા લાગે એટલે તમે તેમાં ખાંડ નાંખીને સતત હલાવો. બરાબર દૂધ જાડું થાય અને બદામી જેવા કલરનું થાય એટલે ઉતારી દો. ઝીણો મલમલનો કટકો ઢાંકી દૂધપાક ઠંડો થવા દો. આ પછી બદામને ગરમ પાણીમાં પલાળીને છોલી લો. હવે ચપ્પાની મદદથી તેની કતરણ કરો. આ પછી તેને ચારોળી અને એલચી-જાયફળના ભૂકા સાથે મિક્સ કરીને તમામ ચીજોને દૂધમાં મિક્સ કરો. થોડીવારમાં તે તમામ ચીજો ગરમ દૂધમાં સારી રીતે મિક્સ થશે. ભોગ માટે તમારો દૂધપાક તૈયાર છે.

આવું છે કાળી રોટી અને ધોળી દાળનું પૌરાણિક મહત્ત્વ

જગન્નાથજીની રથયાત્રામાં કાળી રોટી અને ધોળી દાળનું ખાસ મહત્ત્વ છે. આ ધોળી દાળ એટલે દૂધપાક. અને કાળી રોટી એટલે માલપુઆ. ભગવાનને પ્રિય કાળી રોટી ધોળી દાળ સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે. જેમાં કહેવાય કે મંદિરના જીર્ણોદ્વાર કરવામાં આવ્યો હતો. ત્યારે આ જીર્ણોદ્વારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળઓ દૂર દૂરથી આવ્યા હતા. આ જીર્ણોદ્વારમાં આવેલ શ્રદ્ધાળુ ભુખ્યા ન રહે તે માટે મહંત નરસિંહદાસજીએ રસોઈના આદેશ આપ્યા હતા કે માલપુઆ, દૂધપાક, ગાંઠિયા બનાવી પીરસવામાં આવે. તે સમયથી જ આ પરંપરા ચાલી આવી રહી છે. મંદિરમાં કોઈપણ પ્રસંગ હોય તે સમયે પણ મંદિર આવેલ તમામ લોકોને દૂધપાક અને માલપુઆ અવશ્ય આપવામાં આવે છે. જયારે મંદિરે દર્શન કરવા આવનાર તમામ લોકોને માલપુઆ અને ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવે છે.

  • Follow us on: