- માતા પાર્વતીએ સૌથી પહેલા રાખ્યું હતું વ્રત
- માન્યતા છે કે બ્રહ્મદેવે તમામ દેવીઓને પતિઓ માટે વ્રત રાખવા કહ્યું
- પતિની લાંબી આયુ માટે આ વ્રત રાખવામાં આવે છે
કરવા ચોથનું હિંદુ ધર્મમાં ઘણું મહત્ત્વ છે. મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામનાની સાથે આ દિવસે નિર્જળા વ્રત રાખે છે અને અખંડ સૌભાગ્યના આશીર્વાદ મેળવે છે. વ્રત રાખવાની આ પરંપરા પ્રાચીન સમયથી ચાલતી આવી છે. કરવા ચોથનું વ્રત દર વર્ષે કારતક મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીએ રાખવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 1 નવેમ્બરે ઉજવાશે.
ક્યારે શરૂ થશે વ્રત
આ વ્રત 31 ઓક્ટોબરની રાતે 9.30 મિનિટે શરૂ થશે અને 1 નવેમ્બરે રાતે 9.19 મિનિટે ખતમ થશે. એવામાં કરવા ચોથનું આ વ્રત કરનારી મહિલાઓએ એ પણ જાણી લેવું જરૂરી છે કે આ વ્રતની શરૂઆત કેવી રીતે થઈ અને તે સૌથી પહેલા કોણે રાખ્યું હતું. તો જાણો આ વ્રત સાથે જોડાયેલો ઈતિહાસ.
માતા પાર્વતીએ રાખ્યું હતું વ્રત
માન્યતા અનુસાર સૌથી પહેલા કરવા ચોથનું વ્રત માતા પાર્વતીએ ભગવાન શંકર માટે રાખ્યું હતું. ત્યારથી આ વ્રતને રાખવાની પરંપરા ચાલી આવે છે. એમ પણ કહેવાય છે કે એકવાર બ્રહ્મદેવે તમામ દેવીને પોતાના પતિ માટે આ વ્રત રાખવા કહ્યું હતું. ત્યારથી આ પરંપરા શરૂ થઈ.
જાણો શું છે વ્રત સાથે જોડાયેલી પૌરાણિક કથા
પૌરાણિક કથાના આધારે જ્યારે દેવતાઓ અને રાક્ષસોની વચ્ચે ભીષણ યુદ્ધ થયું ત્યારે તેઓએ સંપૂર્ણ તાકાત લગાવી દીધા બાદ પણ દેવતાઓને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે બ્રહ્મદેવે દેવીઓને પતિની રક્ષા માટે કારતક મહિનાની શુક્લ પક્ષની ચોથના દિવસે વ્રત રાખવા કહ્યું હતું. માનવામાં આવે છે કે આ વ્રતના પ્રભાાવથી દેવતા અસુરો પર વિજય પ્રાપ્ત કરી શકતા હતા. આ સમાચાર સાંભળીને દેવીઓ પ્રસન્ન થઈ અને તેઓએ પોતાનું વ્રત ખોલ્યું. ત્યારથી પતિની સલામતી માટે આ વ્રત રાખવામાં આવે છે. મહાભારતમાં પણ કરવા ચોથની કથા સાથે જોડાયેલું વર્ણન છે. કહેવાય છે કે દ્રૌપદીએ પણ પાંડવોની રક્ષા માટે આ વ્રત રાખ્યું હતું. તેઓને આ વ્રત કરવાની સલાહ શ્રી કૃષ્ણએ આપી હતી.