• 9થી 17 એપ્રિલ સુધી કરો માતાજીની આરાધના
  • ઘી, ખાંડ, દૂધ, પાન-મધ, ગોળ અને નારિયેળનો પણ ધરાવો પ્રસાદ
  • નવમા દિવસે પુરી-હલવો અને કાળા ચણાનો લગાવો ભોગ

નવરાત્રિના 9 દિવસ માતા દુર્ગાના અલગ અલગ રૂપની પૂજા કરાય છે. માતાને પ્રસન્ન કરવા માટે અનેક ભોગ લગાવાય છે. જો માતા દુર્ગાને તેમની પસંદનો ભોગ ચઢાવવામાં આવે તો માતારાણી પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે. દેવી દેવતાને ભોગ તમારા સામર્થ્ય અનુસાર લગાવો. નવરાત્રિની વાત કરીએ તો આ સમયે માતા દુર્ગાને પંચમેવા, ઘરની બનેલી મીઠાઈ કે પછી પતાશાનો ભોગ ધરો. આ વખતે ચૈત્ર નવરાત્રિનો તહેવાર 9-17 એપ્રિલ સુધી ચાલશે. તો જાણો માતાના કયા રૂપને કયા ભોગ ચઢાવવાથી યોગ્ય ફળ મળશે.

ઘીનો ભોગ

માતાનું પહેલું રૂપ શૈલપુત્રીનું છે. તેમને ઘીનો ભોગ લગાવો. ગાયના ઘીનો ભોગ સૌથી બેસ્ટ રહે છે. ઘીનો ભોગ લગાવવાથી રોગથી મુક્તિ અને આરોગ્ય મળે છે. આ સાથે નિરોગી કાયા પણ મળે છે.

ખાંડનો ભોગ

માતાનું દ્વિતિય રૂપ બ્રહ્મચારિણીનું છે. માતાના આ રૂપને ખાંડનો ભોગ ચઢાવવો. તેમની પૂજાથી દીર્ઘાયુ મળે છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ મળે છે.

ખીરનો ભોગ

માતાનું ત્રીજું રૂપ ચંદ્રઘટાનું છે. તેમને દૂધનો ભોગ ધરાવાય છે. દૂધ કે તેની ખીર, મીઠાઈનો ભોગ લગાવવાથી ધનની પ્રાપ્તિ અને દુઃખનો નાશ થાય છે.

માલપુઆનો ભોગ

દેવીનું ચોથું રૂપ કૂષ્માંડાને સમર્પિત છે. માતાને માલપુઆનો ભોગ ચઢાવવામાં આવશે તેનાથી બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે. તેના વિકાસની સાથે નિર્ણય ક્ષમતામાં પણ વધારો થાય છે.

કેળાનો ભોગ

માતાજીના પાંચમા સ્વરૂપ માતા સ્કંદમાતાને પૂજવામાં આવે છે. તેમને કેળા પ્રિય હોય છે. આ માટે કેળનો ભોગ ચઢાવવો. તેનાથી સારું સ્વાસ્થ્ય અને નિરોગી કાયા મળે છે.

પાન અને મધનો ભોગ

જગત જનનીની પૂજામાં છઠ્ઠા સ્વરૂપમાં માતા કાત્યાયનીની પૂજા કરાય છે. માતાને પાન અને મધનો ભોગ લગાવાય છે. જે ભક્તની બાહ્ય અને આંતરિક ઉર્જામાં વધારો કરે છે. શારીરિક સુંદરતાની સાથે જીવનમાં પણ મીઠાશ વધે છે.

ગોળનો ભોગ

માતા દુર્ગાનું સાતમું રૂપ કાળરાત્રિનું છે. માતાને ગોળનો ભોગ ચઢાવવામાં આવે છે તેનાથી સંકટથી મુક્તિ મળે છે અને જીવનમાં શોક ઘટે છે.

નારિયેળનો ભોગ

માતા અંબાનું આઠમું રૂપ મહાગૌરીનું છે. તેમને નારિયેળનો ભોગ પ્રિય છે. માતાજીને નારિયેળનો ભોગ ચઢાવવાથી સંતાન સંબંધી તમામ સંકટથી મુક્તિ મળે છે. સંતાન સંબંધી મનોકામનાઓ પૂરી થાય છે.

હલવા-પૂરી અને ચણાનો ભોગ

માતાનું નવમું રૂપ સિદ્ધિદાત્રીનું છે. તેમને હલવા પૂરી અને કાળા ચણા પ્રિય છે. માતા સિદ્ધિદાત્રીને આ ચીજનો ભોગ લગાવવો. માનવામાં આવે છે કે માતાને પસંદનો ભોગ ચઢાવવાથી તમામ તરફ સુખ આવે છે અને જીવનમાં કોઈ ખામી રહેતી નથી.  

  • Follow us on: