• રાવણ સામે યુદ્ધમાં વિજય મેળવવા ભગવાન રામે પણ નવરાત્રિ વ્રત કર્યું હતું
  • મા દુર્ગાનાં નવ સ્વરૂપોની ભક્તો ભાવવિભોર થઇ કરે પૂજા અર્ચના
  • માતાની દરેક શક્તિપીઠનું અલગ અલગ મહત્ત્વ છે

નવરાત્રિના પવિત્ર તહેવારનો આરંભ થઇ ગયો છે. નવરાત્રિ એ દેશ-વિદેશમાં વસતા 100 કરોડ હિંદુઓનાં પ્રિય-પૂજ્ય મા દુર્ગાનાં નવ સ્વરૂપોની પૂજા-અર્ચનાનો તહેવાર છે. નવરાત્રિ દરમિયાન શક્તિનાં નવ સ્વરૂપોની પૂજા કરવાથી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે. મા દુર્ગા પૂજા કરનાર વ્યક્તિના જીવનમાં અપાર સફળતાઓ આપે છે. નવરાત્રિના આ નવ દિવસો પૂજા, ઉપવાસ ગરબા તથા માતાની આરાધનાના દિવસો છે.

માતાનું મૂળ સ્વરૂપ તો એક જ છે

દેશના જુદા જુદા ભાગોમાં નવરાત્રિ ઉત્સવ ભિન્ન ભિન્ન રીતે ઊજવાય છે. માતાની દરેક શક્તિપીઠનું અલગ અલગ મહત્ત્વ છે પણ માતાનું મૂળ સ્વરૂપ તો એક જ છે. માતા ક્યાંક વૈષ્ણો દેવી તરીકે ઓળખાય છે તો ક્યાંક કાલી માતા તરીકે ઓળખાય છે. ક્યાંક ચામુંડા માતાના સ્વરૂપે પૂજાય છે તો હિમાચલ પ્રદેશમાં નૈના દેવીના નામે પૂજાય છે. સહરાનપુરમાં શાકમ્ભરી દેવીના નામે પૂજાય છે. આ બધાં શક્તિનાં જ વિવિધ સ્વરૂપો છે. એમની પૂજા કરવાથી મા પ્રસન્ન થાય છે.

શક્તિ ઉપાસનાની વિવિધ પરંપરાઓ

નવરાત્રિમાં મા અંબાની આરાધનાનું ખાસ માહાત્મ્ય છે. દેશના વિભિન્ન પ્રદેશોમાં શક્તિ ઉપાસનાની વિવિધ પરંપરાઓ છે. નવરાત્રિના પહેલા ત્રણ દિવસ મા દુર્ગાની પૂજા-અર્ચના કરવા સમર્પિત કરાયા છે. પ્રત્યેક દિવસ મા દુર્ગાનાં અલગ-અલગ સ્વરૂપને સમર્પિત કરવામાં આવ્યા છે. પહેલા દિવસે મા શૈલપુત્રી, બીજા દિવસે મા બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે મા ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા-આરાધના કરવામાં આવે છે. નવરાત્રિના તે પછીના દિવસોમાં માતા કુષ્માન્ડા સ્વરૂપની, માતા સ્કંદમાતાની, મા કાત્યાયિની સ્વરૂપની, માતા લક્ષ્મીની, માતા સરસ્વતીની, માતા મહાગૌરીની અને માતા સિદ્ધિદાત્રીની પૂજા-આરાધના કરવામાં આવે છે.

નવરાત્રિના નવમા દિવસે કન્યાપૂજન કરવામાં આવે 

કેટલાક વિસ્તારોની પરંપરા અનુસાર નવરાત્રિના નવમા દિવસે કન્યાપૂજન કરવામાં આવે છે. યુવાવસ્થા સુધી નથી પહોંચી તેવી દસ વર્ષની વયની નવ કન્યાઓને દેવી દુર્ગાનાં નવ પ્રતીક માનવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં આવી નાની કન્યાઓના પગ ધોવામાં આવે છે અને ઉપહાર રૂપે તે કન્યાઓને નવાં વસ્ત્ર પ્રદાન કરવામાં આવે છે. સીતાજીને ઉપાડી ગયેલા રાવણ સામે યુદ્ધ જીતીને આવેલા ભગવાન શ્રીરામના આ ભવ્ય વિજયના પ્રતીક રૂપે દેશમાં નવરાત્રિના દસમા દિવસે વિજયાદશમી પણ ઊજવવામાં આવે છે. ગુજરાતમાં ખાસ કરીને સાક્ષાત્ અંબાજી બિરાજમાન છે ત્યારે ગુજરાતના લોકો મા અંબાની પૂજા-આરાધના કરી, નવ રાત ગરબા ગાઈ નવરાત્રિની ભવ્ય ઉજવણી કરે છે. નવરાત્રિ ઉત્સવ મા અંબાની આરાધનાનું પર્વ છે.

  • Follow us on: