• 400 નવી વંદે ભારત ટ્રેનની જાહેરાતની શકયતા
  • ભારત ગ્રીન એનર્જીના વધુ ઉપયોગ પર ભાર આપવાના ઉદ્દેશ્ય સાથે રેલવે ક્ષેત્રમાં ગંભીરતાથી લાગૂ કરી શકે
  • અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વેગ આપવા માટે જાહેરાત થઇ શકે

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. રેલવે માટે તેમના પટારામાંથી શું નીકળશે, સામાન્ય લોકોથી લઈને નિષ્ણાતો સુધીની નજર આના પર ટકેલી છે. 2017ની સાલથી અલગ રેલવે બજેટ રજૂ કરવાની પરંપરા સમાપ્ત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં રેલવેને લઈને સરકાર પાસેથી અપેક્ષાઓ લઈને બેઠેલા લોકોની નજર સામાન્ય બજેટમાં આ ક્ષેત્રને લગતી જાહેરાતો પર રહેશે.

નિષ્ણાતોનું માનવું છે કે મોદી સરકારનો ભાર રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને હાઈ સ્પીડ ટ્રેનોને વાસ્તવિકતાની નજીક લાવવા પર રહેશે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે સરકાર રેલવે સેક્ટર માટે પાછલા બજેટની સરખામણીમાં વધુ ફંડ બહાર પાડી શકે છે. તેના દ્વારા નવી લાઈનો નાખવા, સેમી હાઈ સ્પીડ ટ્રેનોની સંખ્યા વધારવા અને પહેલાથી ચાલી રહેલા પ્રોજેક્ટને પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવશે. ચાલો જોઈએ કે સામાન્ય બજેટમાં રેલવે સંબંધિત કઈ મહત્વની યોજનાઓ અને માંગણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.

વંદે ભારત ટ્રેન

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓમાંથી એક છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઘણા નવા રૂટ પર વંદે ભારત ટ્રેનોની જાહેરાત થઈ શકે છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે 400 નવી વંદે ભારત ટ્રેનની જાહેરાત કરવામાં આવી શકે છે. આ ટ્રેનોની સફળતાને જોતા આ વખતે સ્લીપર ક્લાસવાળી વંદે ભારત ટ્રેનની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. આપને જણાવી દઈએ કે સરકાર હાલમાં ચાલી રહેલી શતાબ્દી અને રાજધાની એક્સપ્રેસ જેવી ટ્રેનોને વંદે ભારત ટ્રેનોથી બદલવાની તૈયારી કરી રહી છે. કારણ કે આ ટ્રેનો ચલાવવા માટે ટ્રેકની સ્થિતિ પરફેક્ટ હોવી જોઈએ. આવી સ્થિતિમાં વંદે ભારતના રૂટ પર ટ્રેકને અપગ્રેડ કરવા સંબંધિત જાહેરાતો થઈ શકે છે.

ગ્રીન એનર્જી, હાઇડ્રોજન પાવર ટ્રેનો પર ભાર

નિષ્ણાતોનું માનવું છે કે G20ની અધ્યક્ષતા કરી રહેલું ભારત ગ્રીન એનર્જીના વધુ ઉપયોગ પર ભાર આપવાના ઉદ્દેશ્ય સાથે રેલવે ક્ષેત્રમાં પણ તેને ગંભીરતાથી લાગુ કરવાની દિશામાં વિચારશે. આવી સ્થિતિમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે નાણામંત્રીના ભાષણમાં સ્વચ્છ ઉર્જા અને હાઇડ્રોજન પાવર ટ્રેનો સંબંધિત મહત્વપૂર્ણ જાહેરાતો થઈ શકે છે. નૂર અને પેસેન્જર સર્વિસીસના વિસ્તરણની સાથે કોલસા પર નિર્ભરતા ઘટાડવા અને ગ્રીન એનર્જી પર ભાર આપવા માટે પણ આ કરવું જરૂરી છે. નેશનલ હાઈડ્રોજન મિશન તરફના મજબૂત પગલા તરીકે, રેલવે હાઈડ્રોજન પાવર ટ્રેનો શરૂ કરવા સંબંધિત પગલાં લઈ શકે છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વેગ આપવા માટે બજેટમાં કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી શકે છે. આપને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2022-23માં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડને 19 હજાર કરોડથી વધુની રકમ ફાળવવામાં આવી હતી. જોકે નિષ્ણાતો માને છે કે સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ.1 લાખ કરોડનો આંકડો પાર કરી ગયો છે. આવી સ્થિતિમાં આ પ્રોજેક્ટને વાસ્તવિક બનાવવા માટે વધુ ભંડોળની જરૂર પડશે. રેલવે અધિકારીઓનો અંદાજ છે કે આ પ્રોજેક્ટ 2027 સુધીમાં પૂર્ણ થઈ શકે છે.

સલામતી અને બાકીના પ્રોજેક્ટ

રેલવેના આધુનિકીકરણની દિશામાં સલામતી એ એક મહત્વનું પાસું છે, જેના પર સરકારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આવી સ્થિતિમાં, ટ્રેકનું સમારકામ, નવા અને વધુ સારા કોચનું નિર્માણ, જૂના કોચને બદલવા વગેરેને લગતા ઘણા પગલાં લેવા જરૂરી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર ટ્રેક અપગ્રેડેશન, પરંપરાગત કોચને આધુનિક એલએચબી (લિંક હોફમેન બુશ) કોચ સાથે બદલવા સંબંધિત બજેટમાં કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી શકે છે. નિષ્ણાંતોનું માનવું છે કે રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા સંબંધિત બાકીના તમામ મહત્વના પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટે વધુ ફંડ ફાળવવાની પૂરી આશા છે.

સિનિયર સિટીઝન્સને લાભની આશા

રેલવે વરિષ્ઠ નાગરિકોને રેલ મુસાફરીમાં આપવામાં આવતી છૂટ બંધ કરી દીધી હતી. રેલવે મંત્રીએ થોડા સમય પહેલા જ સ્પષ્ટતા કરી છે કે તેને ફરીથી શરૂ કરવાની કોઈ યોજના નથી. જોકે ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં રેલવેની કમાણી નોંધપાત્ર રીતે વધી છે. સાથે જ સામાન્ય લોકો પણ આ છૂટ બંધ થવાથી નાખુશ છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 2024ની ચૂંટણી પહેલા સરકાર પોતાનું જૂનું વલણ બદલી શકે છે અને આ છૂટના મુદ્દાને ફરીથી જાહેર કરી શકે છે.


  • Follow us on: