• સરકાર ખાંડની નિકાસ પર લાદી શકે છે પ્રતિબંધ
  • ભારતે વર્ષ 2022-23માં ખાંડની નિકાસ પર પ્રતિબંધ લાદયો હતો
  • આ વર્ષે ખાંડના સરેરાશ ઉત્પાદન કરતા 50 ટકા ઓછું ઉત્પાદન

ભારત સરકાર આગામી સિઝન દરમિયાન ખાંડની નિકાસ પર પ્રતિબંધ લાદી શકે છે. 1 ઓક્ટોબરથી શરૂ થનારી ખાંડની સિઝન દરમિયાન ખાંડની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. દેશમાં ખાંડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને નવેમ્બરના પહેલા સપ્તાહ દરમિયાન ખાંડની નિકાસ પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી અપેક્ષા છે.

ખાંડના ભાવ નિયંત્રણમાં રાખવા સરકારની પ્રાથમિકતા

વર્ષ 2021-22માં વિક્રમી 11 મિલિયન ટન ખાંડનું વેચાણ કર્યા બાદ, ભારતે વર્ષ 2022-23માં ખાંડની નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો હતો જેથી કરીને દેશમાં સ્થાનિક બજારમાં ખાંડનો પુરવઠો અવિરત રહે અને કિંમતો પર નિયંત્રણ જાળવી શકાય. વર્ષ 2022-23ની શરૂઆતમાં કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ લગભગ 60 લાખ ટન સુધી મર્યાદિત કરી હતી. એક અધિકારીએ મનીકંટ્રોલને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, સરકારની મુખ્ય પ્રાથમિકતા ખાંડની કિંમતોને નિયંત્રણમાં રાખવાની છે અને તેથી વધતા જતા ભાવને ધ્યાનમાં રાખીને આ નિકાસના ક્વોટામાં વધુ ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

મહારાષ્ટ્ર-કર્ણાટકમાં ખાંડનું ઉત્પાદન ઘટ્યું છે

દેશના ટોચના શેરડી ઉત્પાદક રાજ્યો જેવા કે પશ્ચિમી રાજ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણ કર્ણાટકમાં, સામાન્ય કરતાં ઓછા વરસાદને કારણે આ વર્ષે ખાંડની સિઝનમાં ઓછું ઉત્પાદન થયું છે. જો ઓગસ્ટ સુધીના ખાંડ ઉત્પાદનના આંકડા પર નજર કરીએ તો આ વર્ષે ખાંડના સરેરાશ ઉત્પાદન કરતા 50 ટકા ઓછું ઉત્પાદન જોવા મળ્યું છે. આવું એટલા માટે થયું છે કારણ કે મહારાષ્ટ્ર અને કર્ણાટક બંને રાજ્યો ભારતના કુલ ખાંડના ઉત્પાદનના અડધાથી વધુ ઉત્પાદન કરે છે.

ચોમાસાની સ્થિતિમાં સુધારો

જો કે, ચોમાસાની મોસમ દરમિયાન, દેશમાં સારા વરસાદની સ્થિતિ જોવા મળી હતી અને તેના પરિણામે, 31 ઓગસ્ટે ખાંડનું ઉત્પાદન જે 10 ટકા ઓછું હતું તે 25 સપ્ટેમ્બર સુધીમાં માત્ર 5 ટકા થયું હતું. તેમ છતાં દેશમાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થવાનો ભય રહેશે તેવું માની શકાય છે.

  • Follow us on: